કોલકાતા રેપ કાંડ: આરોપી સંજય રોયે નાર્કો ટેસ્ટ કરાવવાનો કર્યો ઇન્કાર, કોર્ટે CBIની માગણી ફગાવી

Sanjay Roy Narco Analysis Test: કોલકાતા રેપ-મર્ડર કેસના મુખ્ય આરોપી સંજય રોયે નાર્કો ટેસ્ટ કરાવવા માટે સંમતિ ન આપી. આ અંગે કોલકાતાની કોર્ટે CBIની તે અરજી ફગાવી દીધી હતી, જેમાં સંજય રોયના નાર્કો ટેસ્ટની માંગ કરવામાં આવી હતી.

ન્યૂઝ અહેવાલ મુજબ, સેન્ટ્રલ બ્યુરો ઓફ ઈન્વેસ્ટિગેશન (CBI)એ શુક્રવારે (13 સપ્ટેમ્બર) કોલકાતાની કોર્ટમાં અરજી દાખલ કરી હતી. સંજયે આ ટેસ્ટ માટે સંમતિ આપવાનો ઈન્કાર કર્યા બાદ કોર્ટે CBIની માંગને ફગાવી દીધી હતી.

આ પહેલા 25 ઓગસ્ટના રોજ સંજય રોયનો પોલીગ્રાફ ટેસ્ટ કરવામાં આવ્યો હતો. સમાચાર એજન્સી પીટીઆઈએ સીબીઆઈ અધિકારીને ટાંકીને જણાવ્યું હતું કે, “સીબીઆઈ અધિકારીઓ સંજય રોયનું પરીક્ષણ કરવા માંગે છે, જેનો પૉલિગ્રાફ ટેસ્ટ 25 ઑગસ્ટના રોજ હાથ ધરવામાં આવ્યો હતો, જેથી આ કેસમાં તેમનું નિવેદન ચકાસી શકાય. આ મુખ્યત્વે તપાસવા માટે છે કે શું રોય સાચું બોલે છે કે નહીં. નાર્કો ટેસ્ટ અમને તેનું નિવેદન ચકાસવામાં મદદ કરશે.