December 27, 2024

‘રિટાયર હર્ટ’ કે ‘રિટાયર આઉટ’ ? સુપર ઓવરમાં રોહિત શર્માના નિર્ણયને લઇને થયો વિવાદ !

ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે રમાયેલી ત્રીજી T20 બે સુપર ઓવર બાદ પૂર્ણ થઈ હતી. બે સુપર ઓવર સહિત મેચમાં ઘણો ડ્રામા થયો હતો. પરંતુ આ દરમિયાન એક સવાલ ઝડપથી ઉઠી રહ્યો છે કે પ્રથમ સુપર ઓવર દરમિયાન રોહિત શર્મા છેલ્લા બોલ પહેલા મેદાનની બહાર કેમ અને કેવી રીતે ગયો? શું રોહિત શર્મા રિટાયર આઉટ થયો હતો કે રિટાયર હર્ટ થયો હતો? છેલ્લા બોલે રોહિત શર્માની જગ્યાએ રિંકુ સિંહ મેદાન પર આવ્યો હતો.

જો કે, રોહિત શર્મા રિટાયર્ડ હર્ટ થયો હતો કે રિયાર હર્ટ થયો હતો તે સંપૂર્ણ રીતે સ્પષ્ટ થયું ન હતું, કારણ કે ભારતીય કેપ્ટન આગામી સુપર ઓવરમાં બેટિંગ કરવા મેદાનમાં આવ્યો હતો. મેન્સ ટી20 ઈન્ટરનેશનલમાં ICCની પ્લેઈંગ કંડીશન મુજબ, જો કોઈ બેટ્સમેન પાછલી સુપર ઓવરમાં આઉટ થઈ જાય છે, તો તે આગામી સુપર ઓવરમાં બેટિંગ કરવા માટે લાયક રહેશે નહીં. આવી સ્થિતિમાં, જો રોહિત શર્મા રિટાયર આઉટ થયો હોત, તો તે આગામી સુપર ઓવરમાં ફરીથી બેટિંગ કરવા આવ્યો ન હોત. જો કે, રોહિત શર્મા મેદાનની બહાર કેવી રીતે ગયો તે અંગે અમ્પાયરો દ્વારા હજુ સુધી સ્પષ્ટતા કરવામાં આવી નથી.

રોહિતના નિર્ણય અંગે હજુ સુધી કોઈ સત્તાવાર માહિતી જાહેર કરવામાં આવી નથી, પરંતુ ‘ESPNcricinfo’એ રોહિત શર્માને ‘રિટાયર આઉટ’ ગણાવ્યો છે. એ પણ શક્ય છે કે રોહિત શર્માએ રિંકુ સિંહની જગ્યાએ છેલ્લા બોલ પર ઝડપથી બે રન ફટકાર્યા, પરંતુ આ માત્ર અનુમાન છે.

મેચ બાદ વાત કરતા રોહિત શર્માએ કહ્યું, “મને યાદ નથી કે છેલ્લી વખત આવું ક્યારે બન્યું હતું. મને લાગે છે કે મેં IPL મેચમાં ત્રણ વખત બેટિંગ કરી હતી.”  ઉલ્લેખનીય છે કે ટીમ ઈન્ડિયાએ અફઘાનિસ્તાન સામેની ત્રણ મેચની ટી-20 શ્રેણી 3-0થી જીતી લીધી છે. પ્રથમ બે મેચ એકતરફી રહી હતી પરંતુ ત્રીજી મેચમાં અફઘાન ટીમે જોરદાર ટક્કર આપી હતી. મેચનું પરિણામ મેળવવા માટે બે વખત સુપર ઓવર કરાવવી પડી હતી. અંતે ટીમ ઈન્ડિયાનો જ અહીં વિજય થયો હતો. આ જીત બાદ કેપ્ટન રોહિત શર્મા ઘણો ખુશ દેખાઈ રહ્યો હતો. તેની ખુશીનું એક કારણ એ પણ હતું કે તેણે આ મેચમાં શાનદાર સદી ફટકારી હતી.