December 21, 2024

જુનાગઢમાં વિકાસ કાર્યોને કારણે પાણી વગર ટળવળ્યાં વોર્ડ નં.10 ના રહીશો

સાગર ઠાકર, જુનાગઢ: જૂનાગઢમાં વોર્ડ નં. 10 માં મનપા દ્વારા ચાલતાં વિકાસ કાર્યોને લઈને લોકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે અને સ્થાનિક રહીશોને પાંચ દિવસ પાણી વગર વિતાવવા પડ્યા હતા. જેને લઈને પૂર્વ કોર્પોરેટરને કમિશ્નર કચેરી બહાર ધરણાં કરવાની ફરજ પડી હતી. જો કે કમિશ્નર દ્વારા પૂર્વ કોર્પોરેટરને આશ્વાસન મળતાં તેણે ધરણાં સમેટી લીધા હતા. આ મુદ્દે કમિશ્નરની સૂચનાથી હવે લોકોને નિયમિત પાણી મળી રહ્યું છે. અંદાજે બસો પરિવારને પાંચ દિવસ પાણી મળ્યું ન હતું. પૂર્વ કોર્પોરેટરે ધરણા કર્યા છતાં અધિકારી વાતનો સ્વીકાર કરતાં નથી, પાણી અને ગટરને લઈને લોકો પરેશાન છે ત્યારે તહેવારના દિવસોમાં સત્વરે કામગીરી થાય તેવી માંગ ઉઠવા પામી છે.

જૂનાગઢ શહેરના વોર્ડ નં. 10 માં મનપા દ્વારા ગટર અને પાણીની લાઈનના કામો ચાલી રહ્યા છે. જેના માટે રસ્તા ખોદવામાં આવ્યા છે અને લોકોને પરેશાની થઈ રહી છે. શહેરના માંગનાથ રોડ, પંચહાટડી ચોક, માલીવાડા રોડ સહીતના વિસ્તારમાં નવી પાણીની લાઈન નાખવાનું કામ ચાલુ હતું. જેને લઈને પાંચ દિવસ લોકો પાણી વગરના રહ્યા અને લોકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડ્યો, આ વિસ્તારમાં શહેરની મુખ્ય બજારો આવેલી છે, કાપડ, રેડીમેઈડ ગારમેન્ટ, કટલેરી હોઝીયરી તથા રોજીીદી જરૂરીયાતની ચીજવસ્તુઓનું બજાર હોવાથી આ વિસ્તારમાં લોકોની અવરજવર રહેતી હોય છે, રસ્તા ખોદી નાખવામા આવતાં વેપારીઓ અને ગ્રાહકોને પણ હાલાકી પડે છે. એક બાજુ તહેવારના દિવસો છે, બજારમાં ટ્રાફીક રહેતો હોય લોકોની અવર જવર થતી હોય ત્યારે વેપારીઓ અને ગ્રાહકો બંને ખોદાયેલા રસ્તાથી પરેશાન થાય છે.

મનપા દ્વારા થતાં વિકાસ કાર્યોને લઈને આ વિસ્તારમાં અંદાજે 200 પરિવારને પાંચ દિવસ સુધી પાણી ન મળ્યું જેને લઈને આ વિસ્તારના પૂર્વ કોર્પોરેટર હિતેષ ઉદાણી દ્વારા મનપા માં રજૂઆત કરવામાં આવી પરંતુ કોઈ કાર્યવાહી નહીં થતાં અંતે હિતેષ ઉદાણી કમિશ્નર કચેરીએ ધરણાં પર બેસી ગયા ત્રણ કલાકના ધરણાં બાદ કમિશ્નર સાથે મુલાકાત થતાં કશિશ્નર ડો. ઓમ પ્રકાશ દ્વારા યોગ્ય કાર્યવાહીની ખાતરી મળતાં ધરણાં સમેટાયા હતા અને કમિશ્નર દ્વારા સંબંધિત શાખાઓમાં સૂચના આપવામાં આવી હતી કે પાણીની લાઈનનું કામ ચાલુ કરવાનું હોય તો અગાઉથી વધુ પાણી વિતરણ કરી દેવું જેથી લોકો પાણીનો સ્ટોક કરી શકે અને જ્યારે કામ ચાલુ હોય ત્યારે વિતરણ બંધ હોય તો પણ લોકોને તકલીફ ન પડે, આમ પાંચ દિવસ પાણી ન મળ્યા બાદ હવે કમિશ્નર ની સૂચના થી આ વિસ્તારમાં નિયમિત પાણીનું વિતરણ હાલ શરૂ થઈ ગયું છે.

આ જ વોર્ડમાં આવતાં નવા નાગરવાડા શેરી નં. 4 માં પણ સ્થાનિક રહીશોનો રોષ છે, નવા નાગરવાડા વિસ્તારમાં પાણીની લાઈન નાખવા માટે ખોદકામ કરવામાં આવ્યું આ વિસ્તારમાં અગાઉ ભૂગર્ભ ગટરનું કામ થઈ ગયું હોવા છતાં ફરી ત્યાં ખોદકામ શરૂ થતાં લોકોને ભારે હાલાકી વેઠવી પડી રહી છે, લોકોના મતે આ વિસ્તારમાં છેલ્લા બે મહિનાથી ખોદકામ ચાલુ હોય લોકોને અવરજવર કરવી મુશ્કેલ બની છે, એક વૃધ્ધા તો પડી જતાં તેને હાથમાં ફેક્ચર આવ્યું છે, તહેવાર ચાલી રહ્યા છે ત્યારે જો મનપા દ્વારા આ વિસ્તારમાં ત્વરીત કામગીરી નહીં કરવામાં આવે તો મહિલાઓ મનપા કચેરીએ આંદોલન કરશે તેવી પણ ચિમકી ઉચ્ચારાઈ છે.