December 18, 2024

રાજ્યના કર્મચારીઓના હિતમાં કેબિનેટ બેઠકમાં મોટા નિર્ણયો, ચાર રજૂઆતોનો સ્વીકાર કરાયો

BHUPENDR PATEL - NEWS CAPITAL

ફાઇલ ફોટો

મલ્હાર વોરા, ગાંધીનગર: ગુજરાતના CM ભૂપેન્દ્ર પટેલની આગેવાનીમાં રવિવારે 4:30 વાગ્યે કેબિનેટ બેઠકનું આયોજન કરવામાં આવ્યું. આ બેઠકમાં રાજ્યના કર્મચારીઓના હિતમાં CM ભૂપેન્દ્ર પટેલનો મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. નોંધનીય છે કે, કેબિનેટની બેઠક દર બુધવારે મળે છે, પરંતુ આ વખતે રજાના દિવસે કેબિનેટની બેઠક બોલાવવાના કારણે અધિકારીઓ તેમજ મંત્રીઓને પણ નવાઈ લાગી હતી.આ કેબિનેટ બેઠક પહેલા કેબિનેટ મંત્રી ઋષિકેશ પટેલ વચ્ચે બેઠક યોજાઈ હતી જેમાં પડતર માગણીઓને લઈને રજૂઆત કરવામાં આવી હતી.

રાજ્ય સરકારની કેબિનેટ બેઠકમાં મહત્ત્વના નિર્ણયો લેવામાં આવ્યા હતા. આ બેઠકમાં 01/04/2005 પહેલા ફિક્સ પગારે નોકરીમાં લાગેલા સરકારી કર્મચારીઓને OPSનો લાભ મળશે. 60,254 જેટલા કર્મચારીઓને આ લાભ મળશે. બેઠકમાં 7માં પગાર પચં મુજબની કેટલીક માંગો પણ સરકારે સ્વીકારી લીધી છે.

મંત્રી મંડળની બેઠક બાદ આ નિર્ણયો અંગે પ્રેસ-મીડિયાને સંબોધન કરતા રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે, CM ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષ સ્થાને ગાંધીનગર ખાતે મળેલી રાજ્ય મંત્રી મંડળની કેબિનેટ બેઠકમાં ગુજરાત સરકારના લાખો કર્મચારીઓના હિતલક્ષી મહત્વપૂર્ણ નિર્ણય કરવામાં આવ્યા છે. ગુજરાત સરકારના કર્મચારીઓ દ્વારા રાજ્ય સરકાર સમક્ષ કરાયેલી વિવિધ રજૂઆતો સંદર્ભે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ આજે લાખો કર્મચારીઓ અને તેમના પરિવારજનોના વિશાળ હિતમાં ઐતિહાસિક નિર્ણયો લેવામાં આવ્યા છે.

વધુમાં કહ્યું કે, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા કર્મચારીઓના પ્રશ્નોનું સકારાત્મક નિરાકરણ આવે તે સંદર્ભે મંત્રી મંડળના સભ્યોની કમિટી રચવામાં આવી હતી. આરોગ્ય અને ઉચ્ચ શિક્ષણ મંત્રી ઋષિકેશ પટેલ, સહકાર રાજ્ય મંત્રી જગદીશ વિશ્વકર્મા અને પંચાયત રાજ્ય મંત્રી બચુ ખાબડની સમિતિએ કર્મચારી મંડળના હોદ્દેદારો સાથે મેરેથોન બેઠકો યોજી હતી, જેના પરિણામે આજે કર્મચારીઓના વિવિધ પ્રશ્નોનું આજે સુખદ સમાધાન આવ્યું અને આ મહત્વના નિર્ણયો લેવાયા છે.

નિર્ણયો અંગે માહિતી આપતા ઋષિકેશ પટેલે કહ્યું, તા. 01/04/2005 પહેલા ફિક્સ પગારમાં નિમણૂંક મેળવનાર કર્મચારીઓની નિમણૂંક હુકમની શરતો અનુસાર તેમની ફિક્સ પગારની સેવા, નિવૃતિ વિષયક લાભો તથા અન્ય લાભો માટે પાત્ર ગણાશે નહીં, તેવો ઉલ્લેખ હતો. જે તે કર્મચારીઓએ આ બાબતે લેખિતમાં બાહેધરી પણ આપી હતી, તેમ છતાં રાજ્ય સરકાર દ્વારા સહાનુભૂતિપૂર્વક કર્મચારી અને તેમના પરિવારજનોના હિતાર્થે આ લાભો રાજ્યના આવા 60,000થી વધુ કર્મચારીઓને આપવાનો સૈધ્ધાંતિક રીતે સ્વીકાર કરવામાં આવ્યો છે.

રાજ્ય સરકારમાં વિવિધ સંવર્ગના જે અધિકારી-કર્મચારીઓ નવી પેન્શન યોજનાના અમલની તારીખ એટલે કે, તા. 01/04/2005 પહેલા ફિક્સ પગારમાં નિમણૂંક કરવામાં આવેલ હોય અને તેમની નિયમિત નિમણૂંક તા. 01/04/2005 પછી થઇ હોય અથવા તા. 01/04/2005 પહેલા ભરતી પ્રક્રિયા પૂર્ણ થઇ ગયેલ હોય, પરંતુ વહીવટી કારણોસર તેમની નિમણૂંક તા. 01/04/2005 પછીની હોય તેવા તમામને મળીને અંદાજીત 60,245 જેટલા અધિકારી-કર્મચારીઓને જૂની પેન્શન યોજના સ્વીકારવા માટે વન ટાઇમ વિકલ્પ આપવાની રજૂઆત વિવિધ કર્મચારી મંડળો દ્વારા કરવામાં આવી છે.

કેબીનેટ બેઠકમાં ચાર રજૂઆતોનો સૈધ્ધાંતિક સ્વીકાર કરાયો

  • ઉચ્ચક બદલી મુસાફરી ભથ્થુ/વયનિવૃતિ સમયનું ઉચ્ચક મુસાફરી ભથ્થુ સાતમાં પગાર પંચ પ્રમાણે આપવું.
  • ચાર્જ એલાઉન્સ બેઝીક પગારના ૫ કે ૧૦ ટકા આપવામાં આવે છે, જે સાતમાં પગાર પંચ મુજબ આપવું.
  •  મુસાફરી અને દૈનિક ભથ્થાના દર સુધારવા.
  • વયનિવૃતિ-અવસાન ગ્રેજ્યુઇટીની રકમમાં વધારો કરવો.

વધુમાં ઋષિકેશ પટેલે જણાવ્યું કે, કર્મચારી મંડળો દ્વારા ઉચ્ચક બદલી મુસાફરી ભથ્થુ તેમજ વયનિવૃતિ સમયનું ઉચ્ચક મુસાફરી ભથ્થુ સાતમાં પગાર પંચ પ્રમાણે અમલમાં લાવવા માટે રજૂઆતો કરવામાં આવી હતી. આ ઉપરાંત ચાર્જ એલાઉન્સ જે અત્યારે બેઝીક પગારના ૫ કે ૧૦ ટકા આપવામાં આવે છે, તેને સાતમાં પગાર પંચ મુજબ આપવામાં આવે, મુસાફરી ભથ્થુ અને દૈનિક ભથ્થાના દર સુધારવામાં આવે તેમજ વયનિવૃતિ અને અવસાન ગ્રેજ્યુઇટીની રકમમાં વધારો કરવાની બાબતોને લગતી રજૂઆતો રાજ્ય સરકારને મળી હતી. મુખ્યમંત્રીની આગેવાની હેઠળ કેબીનેટ બેઠકમાં ઉપરોક્ત તમામ માંગણીઓને સૈધ્ધાંતિક રીતે સ્વીકાર કરાયો છે. જેનો વિગતવાર ઠરાવ વિભાગ દ્વારા પ્રકાશિત કરવામાં આવશે.