PM મોદી વિરુદ્ધ ટિપ્પણી મામલે શશિ થરૂર સુપ્રીમ કોર્ટના શરણે, માનહાનિ કેસમાં માંગી રાહત
નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીને લઈને કરવામાં આવેલ વિવાદાસ્પદ ટિપ્પણીને લઈને કોંગ્રેસ સાંસદ શશિ થરૂરે સોમવારે સુપ્રીમ કોર્ટના દ્વાર ખખડાવ્યા છે. વાસ્તવમાં, આ ટિપ્પણી માટે થરૂર વિરુદ્ધ માનહાનિનો કેસ દાખલ કરવામાં આવ્યો છે. તાજેતરમાં, થરૂરે આ મામલે રાહત મેળવવા માટે દિલ્હી હાઈકોર્ટનો સંપર્ક કર્યો હતો. જોકે કોર્ટે તેમની અરજી ફગાવી દેવામાં આવી હતી.
થરૂરે પીએમ મોદી વિરુદ્ધ કથિત રીતે વાંધાજનક ટિપ્પણી કરી હતી. આ કેસમાં, મુખ્ય ન્યાયાધીશ ડીવાય ચંદ્રચુડની આગેવાની હેઠળની ખંડપીઠે સાંજે 4 વાગ્યા સુધી સુનાવણી હાથ ધરવાની સામાન્ય પરંપરાને તોડીને સાંજે 6 વાગ્યા સુધી કેસની સુનાવણી કરી. ખંડપીઠના વકીલે વિનંતી કરી હતી કે અરજીની સુનાવણી મંગળવારે કરવામાં આવે કારણ કે કોંગ્રેસ નેતાએ તે જ દિવસે ખાનગી માનહાનિની ફરિયાદના સંબંધમાં દિલ્હીની કોર્ટમાં હાજર થવું પડશે. તેના પર ચીફ જસ્ટિસે કહ્યું, “તમે ઈમેલ મોકલો. હું હવે તપાસ કરીશ.”
આ મામલે દિલ્હી હાઈકોર્ટનો નિર્ણય
જણાવી દઈએ કે, 29 ઓગસ્ટના રોજ દિલ્હી હાઈકોર્ટે થરૂર સામેના માનહાનિની કાર્યવાહીને રદ કરવાનો ઈન્કાર કરી દીધો હતો. કોર્ટે કહ્યું હતું કે, પ્રથમ નજરે, વડાપ્રધાન વિરુદ્ધની ટિપ્પણીઓ ઘૃણાસ્પદ અને નિંદનીય છે. હાઈકોર્ટે કહ્યું હતું કે પ્રથમ દૃષ્ટિએ, ટિપ્પણીએ વડાપ્રધાન, સત્તા પક્ષ ભાજપ તેમજ તેમના પદાધિકારીઓ અને સભ્યોની માનહાનિ થઈ છે.
ભાજપે દાખલ કરાઇ હતી ફરિયાદ
થરૂર વિરુદ્ધ ભાજપના દિલ્હી યુનિટના ઉપાધ્યક્ષ રાજીવ બબ્બરે ફરિયાદ નોંધાવી હતી. કોંગ્રેસના નેતાએ ટ્રાયલ કોર્ટના 27 એપ્રિલ, 2019ના આદેશને રદ કરવાની માંગ કરી હતી, જેમાં તેમને બબ્બર દ્વારા દાખલ કરવામાં આવેલી ફોજદારી માનહાનિની ફરિયાદ તેમજ 2 નવેમ્બર, 2018ની ફરિયાદમાં આરોપી તરીકે સમન્સ પાઠવવામા આવ્યા હતા.