December 18, 2024

Assam, Mizoram, Nagaland અને Meghalayaમાં 27નાં મોત; મુશળધાર વરસાદ-ભૂસ્ખલનમાં સેંકડો ઘાયલ

નવી દિલ્હીઃ પૂર્વોત્તર રાજ્યોમાં વરસાદ અને ભૂસ્ખલનના કારણે અનેક લોકોના મોત થયા છે. તો ઘણાં લોકો હજુ ગુમ છે. આવી સ્થિતિમાં મૃત્યુઆંક વધવાની આશંકા છે. રાહત અને બચાવ કામગીરી યુદ્ધના ધોરણે ચાલુ છે. આસામમાં ચક્રવાત ‘રેમલ’ બાદ ભારે પવન સાથે ભારે વરસાદને કારણે મંગળવારે અલગ-અલગ ઘટનાઓમાં એક મહિલા સહિત ચાર લોકોનાં મોત થયા હતા. જ્યારે 18 ઘાયલ થયા હતા. અધિકારીઓએ આ માહિતી આપી હતી.

મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમાએ જણાવ્યું હતું કે, નાગાંવ, હોજાઈ, પશ્ચિમ કાર્બી આંગલોંગ, ગોલાઘાટ, દિમા હસાઓ, કચર, હૈલાકાંડી અને કરીમગંજમાં ભારે વરસાદ ખાબક્યો હતો અને 40-50 કિમી પ્રતિ કલાકની ઝડપે પહોંચતા પવન સાથે પ્રતિકૂળ હવામાન ચાલુ રહેવાની સંભાવના છે. તેમણે કહ્યું કે, તોફાન પૂર્વ બાંગ્લાદેશમાં 15 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પૂર્વ-ઉત્તરપૂર્વ તરફ આગળ વધી રહ્યું છે અને આજે રાત સુધીમાં તે નબળું પડી જવાની શક્યતા છે.

કામરૂપ જિલ્લાના સાતગાંવ વિસ્તારના નવજ્યોતિ નગરમાં મિન્ટુ તાલુકદાર (19 વર્ષ)નું અવસાન થયું. તેમના ઘર પર એક ઝાડ પડ્યું અને તેમના પિતા પણ ઘાયલ થયા છે. જિલ્લામાં લબન્યા કુમારી (60 વર્ષ) નામની મહિલા પર ઝાડ પડતાં ઘાયલ થઈ હતી. બાદમાં તેમનું ગુવાહાટી મેડિકલ કોલેજમાં મૃત્યુ થયું હતું.

અન્ય એક વ્યક્તિ, પુતુલ ગોગોઈ, લખીમપુર જિલ્લાના ગુરુકમુખ ખાતે NHPCના લોઅર સુબાનસિરી હાઇડ્રોઇલેક્ટ્રિક પ્રોજેક્ટમાં અવિરત વરસાદને કારણે સર્જાયેલા ભૂસ્ખલનમાં મૃત્યુ પામ્યા હતા, અધિકારીઓએ જણાવ્યું હતું. એ જ રીતે મોરીગાંવ જિલ્લાના દિગલબોરીમાં એક ઓટોરિક્ષા પર ઝાડ પડતાં કોલેજના વિદ્યાર્થી બોરદોલોઈ એમ્ફી (17 વર્ષ)નું મૃત્યુ થયું હતું.

ત્રિપુરામાં 746 લોકો બેઘર બન્યાં
ત્રિપુરામાં રેમલ વાવાઝોડા બાદ મુશળધાર વરસાદ અને તોફાનને કારણે 746 લોકો બેઘર બન્યાં છે. રાજ્યના એક મંત્રીએ મંગળવારે આ માહિતી આપી હતી. પરિવહન મંત્રી સુશાંત ચૌધરીએ જણાવ્યું હતું કે, ચક્રવાતે પાવર અને કૃષિ ક્ષેત્રોમાં ભારે વિનાશ સર્જ્યો છે, જેમાં કુલ 10 કરોડ રૂપિયાથી વધુ નુકસાનનો અંદાજ છે. તેમણે પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે, સ્થાયી પાક અને પાવર સેક્ટરને નુકસાન થયું હોવા છતાં રાજ્યમાં ચક્રવાતી વાવાઝોડાને કારણે કોઈ માનવ જાનહાનિ થઈ નથી. ચૌધરીએ કહ્યું કે, ઘણા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે, જેના કારણે 746 લોકો બેઘર થયા છે, જેમને 15 રાહત શિબિરોમાં આશ્રય લેવો પડ્યો છે.

હવામાન વિભાગના એક અધિકારીએ જણાવ્યું કે, ચક્રવાતને પગલે ત્રિપુરામાં સોમવારથી અત્યાર સુધીમાં 215 મીમી વરસાદ નોંધાયો છે. ચૌધરીએ જણાવ્યું હતું કે વરસાદને કારણે રાજ્યની મુખ્ય નદીઓના જળસ્તરમાં વધારો થયો છે. પરિસ્થિતિને સામાન્ય બનાવવા માટે વહીવટીતંત્ર ચોવીસ કલાક કામ કરી રહ્યું છે.

મિઝોરમમાં 14 લોકોનાં મોત, 8 લાપતા
બીજી તરફ, મિઝોરમમાં ચક્રવાત રેમલ પછી ભૂસ્ખલન અને સતત વરસાદને કારણે મંગળવારે પથ્થરની ખાણમાં 14 લોકોનાં મોત થયા હતા. ભૂસ્ખલન બાદ અનેક લોકો લાપતા થયા હતા. ભૂસ્ખલનને કારણે રાજ્યની રાજધાનીનો વિસ્તાર કેટલાક કલાકો સુધી દેશના બાકીના ભાગોથી અલગ થઈ ગયો હતો. મિઝોરમ સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીએ (MSDMA) જણાવ્યું હતું કે, આઇઝોલ જિલ્લામાં પથ્થરની ખાણ ધરાશાયી થતા બે સગીર સહિત 14 લોકોનાં મોત થયાં હતાં. અન્ય આઠ જેટલા લોકો ગુમ થયા હતા.

એક અધિકારીએ જણાવ્યું હતું કે, મિઝોરમમાં આઈઝોલ શહેરની દક્ષિણ સીમા પર મેલ્થમ અને હેલીમેન વચ્ચેના વિસ્તારમાં સવારે 6 વાગ્યાની આસપાસ પથ્થરની ખાણ તૂટી પડી હતી. MSDMAએ જણાવ્યું હતું કે, ભૂસ્ખલનને કારણે ઘણા મકાનો અને મજૂર શિબિરો ધરાશાયી થયા હતા, જેમાં ઓછામાં ઓછા 22 લોકો કાટમાળ નીચે દટાયા હતા. અત્યાર સુધીમાં 14 મૃતદેહો મળી આવ્યા છે અને લગભગ આઠ લોકો હજુ પણ લાપતા છે.

નાગાલેન્ડમાં ચારના મોત; મેઘાલયમાં બે લોકોના મોત, 500થી વધુ ઘાયલ
નાગાલેન્ડમાં ચાર લોકોનાં મોત નીપજ્યા છે. જ્યારે 40થી વધુ મકાનોને નુકસાન થયું હતું. બીજી તરફ મેઘાલયમાં ભારે વરસાદને કારણે બે લોકોના મોત થયા છે અને 500થી વધુ લોકો ઘાયલ થયા છે.