January 18, 2025

ગુજરાત યુનિવર્સિટી માનહાનિ કેસમાં કેજરીવાલ-સંજય સિંહને રાહત

અમદાવાદ: પીએમ નરેન્દ્ર મોદીની ડિગ્રી સાથે જોડાયેલા મામલામાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને આમ આદમી પાર્ટીના સાંસદ સંજય સિંહને મોટી રાહત મળી છે. અમદાવાદની મેટ્રોપોલિટન કોર્ટમાં ચાલી રહેલા ટ્રાયલ પર સુપ્રીમ કોર્ટે સ્ટે આપ્યો છે. ઉલ્લેખનીય છે કે પીએમ નરેન્દ્ર મોદીની ડિગ્રી સાથે જોડાયેલા મામલે ગુજરાત યુનિવર્સિટીએ આ બંને નેતાઓ વિરુદ્ધ માનહાનિનો કેસ દાખલ કર્યો હતો. જેમાં બંને નેતાઓને હાજર થવા માટે સમન્સ પાઠવવામાં આવ્યું હતું. નોંધનીય છે કે ગત્ત વર્ષે માર્ચ 2023થી કેજરીવાલ અને પાર્ટીના રાજ્યસભા સાંસદ સંજય સિંહ કાનૂની કાર્યવાહીનો સામનો કરી રહ્યા હતા.

શું છે સમગ્ર મામલો
સેન્ટ્રલ ઇન્ફોર્મેશન કમિશન (CIC)એ પીએમ મોદીની ડિગ્રી વિશે માહિતી આપવા માટે આદેશ પસાર કર્યો હતો. આ આદેશ સામે ગુજરાત યુનિવર્સિટીએ હાઇકોર્ટમાં અપીલ કરી હતી. હાઈકોર્ટે ગયા વર્ષના માર્ચના અંતમાં CIDના આદેશને રદ કરી દીધો હતો અને કેજરીવાલને 25,000 રૂપિયાનો દંડ ફટકાર્યો હતો. આ નિર્ણય બાદ કેજરીવાલ અને સંજય સિંહે પ્રેસ કોન્ફરન્સ કરી હતી. બંને નેતાઓની પ્રેસ કોન્ફરન્સ બાદ ગુજરાત યુનિવર્સિટીએ માનહાનિનો કેસ દાખલ કર્યો છે. ત્યારથી બંને નેતાઓ કાનૂની કાર્યવાહીનો સામનો કરી રહ્યા છે. યુનિવર્સિટીએ બંને નેતાઓ પર આરોપ લગાવ્યો છે કે તેમના નિવેદનોથી યુનિવર્સિટીની છબી ખરાબ થઈ છે. મેટ્રોપોલિટન કોર્ટે કેજરીવાલ અને સંજય સિંહને સમન્સ પણ જારી કર્યા હતા, પરંતુ બંને નેતાઓ કોર્ટમાં હાજર થયા ન હતા. બીજી બાજુ અરવિંદ કેજરીવાલે હાઈકોર્ટના નિર્ણયને પડકાર્યો છે. કેજરીવાલે માગ કરી હતી કે જ્યાં સુધી હાઈકોર્ટમાં પેન્ડિંગ તેમની રિટ પિટિશન પર નિર્ણય ન આવે ત્યાં સુધી હાઈકોર્ટના નિર્ણય બાદ નીચલી કોર્ટમાં શરૂ થયેલી માનહાનિના કેસની સુનાવણી પર રોક લાગાવવી જોઇએ. હાલમાં સુપ્રીમ કોર્ટે કેજરીવાલ અને સંજય સિંહને મોટી રાહત આપી છે. બીજી બાજુ ગુજરાત હાઈકોર્ટમાં ગત વખતે અભિષેક મનુ સિંઘવી હાજર ન હોવાથી સુનાવણી મોકૂફ રાખવામાં આવી હતી.