December 19, 2024

Reliance AGM: મુકેશ અંબાણીની મોટી જાહેરાત, Jio AI-Cloud વેલકમ ઓફર

Reliance AGM: રિલાયન્સ એન્યુઅલ જનરલ મિટિંગમાં આજે મુકેશ અંબાણીએ મોટી જાહેરાત કરતાં Jio AI-Cloud વેલકમ ઓફરની જાહેરાત કરી. આ ઓફરમાં જિયો યુઝર્સને 100 GBનું ક્લાઉડ સ્ટોરેજ મળશે.

આજે મુંબઈ ખાતે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની 47મી એન્યુઅલ જનરલ મિટિંગ (AGM) મળી જેમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીએ અનેક મોટી જાહેરાતો કરી. મુકેશ અંબાણીએ Jio AI ક્લાઉડ ઑફર શરૂ કરવાની જાહેરાત કરી છે જેમાં દરેક Jio યુઝર્સને 100 GB ક્લાઉડ સ્ટોરેજ બિલકુલ મફત આપવામાં આવશે. મુકેશ અંબાણીએ કહ્યું, Jio AI-Cloud વેલકમ ઓફર આ વર્ષે દિવાળી પર લોન્ચ કરવામાં આવશે.

મુકેશ અંબાણીએ કહ્યું, મને Jio AI ક્લાઉડ વેલકમ ઑફરની જાહેરાત કરતાં ખૂબ જ આનંદ થઈ રહ્યો છે. Jio યુઝર્સને 100 GB ફ્રી ક્લાઉડ સ્ટોરેજ મળશે જેમાં તેઓ તેમના ફોટા, વીડિયો, ડોક્યુમેટ્સ અને અન્ય ડિજિટલ કન્ટેન્ટ અને ડેટા સ્ટોર કરી શકશે. તેમણે કહ્યું કે, અમે આ વર્ષે દિવાળી પર Jio AI ક્લાઉડ વેલકમ ઑફર લૉન્ચ કરીશું, જેના દ્વારા અમે પાવરફૂલ અને એફોર્ડેબલ સોલ્યુશન્સ લાવી રહ્યાં છીએ જેમાં ક્લાઉડ ડેટા સ્ટોરેજ અને ડેટા પાવર્ડ AI સર્વિસિસ દરેકને દરેક સ્થળે ઉપલબ્ધ હશે.

રિલાયન્સની AGM મીટિંગને સંબોધતા મુકેશ અંબાણીએ કહ્યું કે, Jio એવા ટૂલ્સ અને પ્લેટફોર્મ વિકસાવી રહ્યું છે જેમાં સમગ્ર AI લાઈફસાઈકલ જોવા મળશે, જેને Jio Brain નામ આપવામાં આવ્યું છે. તેમણે જણાવ્યું કે, રિલાયન્સ ગુજરાતના જામનગરમાં ગીગાવોટ સ્કેલના AI રેડી સેટઅપ્સનું નિર્માણ કરી રહ્યું છે જેને કંપનીના ગ્રીન એનર્જી દ્વારા પાવર મળશે.

મુકેશ અંબાણીએ કહ્યું, રિલાયન્સ જિયો દુનિયાની સૌથી મોટી મોબાઈલ ડેટા કંપની બની ગઈ છે. વિશ્વનો 8 ટકા મોબાઈલ ડેટા એકમાત્ર Jioના નેટવર્ક પર ચાલે છે. આ આંકડો કેટલો મોટો છે તેનો અંદાજ એ હકીકત પરથી લગાવી શકાય છે કે તે વિકસિત બજારો સહિત તમામ મોટા વૈશ્વિક ઓપરેટરો કરતાં વધુ છે. AGM મીટિંગને સંબોધિત કરતાં આકાશ અંબાણીએ કહ્યું, Jio PhoneCall AIથી યુઝર્સ દરેક ફોન કૉલમાં AIની મદદ લઈ શકશે. AI તમામ કોલ્સ ઓટોમેટીક રેકોર્ડ કરશે અને તેને ક્લાઉડ પર સેવ કરશે. તેની સાથે, તે સમગ્ર વાર્તાલાપને ટ્રાંસ્ક્રાઇબ કરશે અને તેને ટેક્સ્ટ ફોર્મેટમાં પણ બદલી દેશે.