December 22, 2024

ગરમીનો પ્રકોપ: હીટવેવથી દેશમાં રેકોર્ડ 143 લોકોના મોતથી હાહાકાર

Heatstroke: દેશના મોટાભાગના રાજ્યોમાં છેલ્લા કેટલાંક દિવસોથી ભયંકર ગરમી અને હીટવેવ ચાલી રહી છે. આ વર્ષે ગરમીનો પ્રકોપ એટલો ખતરનાક છે કે સમગ્ર દેશમાં ગરમીને કારણે અત્યારસુધી 143 લોકોના મોત થઈ ચૂક્યા છે. સાથે જ 41,798 લોકો હીટસ્ટ્રોકથી પીડાઈ રહ્યા છે. ઉલ્લેખનીય છે કે આ આંકડા 1 માર્ચથી લઈને 20 જૂન સુધીના છે. હીટવેવને કારણે થતાં મોતનો આંકડો હજુ પણ વધી શકે છે કારણે કે ગરમીને લઈને થતી બીમારીઓ અને મોતનું સર્વેલન્સ કરતી નેશનાં સેન્ટર ફોર ડીસીઝ કંટ્રોલે અનેક રાજ્યોના આંકડા હજુ અપડેટ નથી કર્યા. સાથે જ અનેક આરોગ્ય કેન્દ્રો દ્વારા હીટવેવને કારણે થયેલ મોતનો આંકડો અપડેટ કરવાનો બાકી છે.

એક દિવસમાં થયા 14 લોપકોના મોત

સત્તાવાર આંકડા અનુસાર 20 જૂનના રોજ હીટસ્ટ્રોકને કારણે 14 લોકોના મોત થયા છે અને અન્ય 9 મોતને લઈને હજુ અસમંજસ છે કે આ મોત હીટસ્ટ્રોકને કારણે થયા છે કે નહી. તો, સાથે સાથે માર્ચ-જૂન મહિનામાં ગરમીથી મોતને ભેટેલ લોકોની કુલ સંખ્યા 143 થઈ ગઈ છે. ઉત્તર પ્રદેશ સૌથી વધુ પ્રભાવિત રાજ્ય છે અહી હીટસ્ટ્રોકને કારણે 35 લોકોના મોત થયા છે. તો, દિલ્હીમાં 21, બિહાર અને રાજસ્થાનમાં 17-17 લોકોના મોત થયા છે.

હોસ્પિટલોને આરોગ્ય મંત્રીની એડવાઇઝરી 

કેન્દ્રીય આરોગ્ય મંત્રી જેપી નડ્ડાએ ગરમીને જોતાં હોસ્પિટલો માટે એડવાઇઝરી જાહેર કરી છે કે હીટવેવથી પીડિત દર્દીઓ માટે સ્પેશિયલ યુનિટ બનાવવામાં આવે. હવે, આરોગ્યમંત્રીએ અધિકારીઓને હોસ્પિટલ જઈને સ્પેશિયલ યુનિટની તપાસ કરવાના નિર્દેશો પણ આપ્યા છે. સાથે જ હીટવેવથી થઈ રહેલા મૃત્યુની સમીક્ષા પણ કરવાનો આદેશ આપ્યો છે.