ઇડર: RBSK ટીમ દ્વારા બાળકીના હૃદયનું નિશુલ્ક ઓપરેશન કરાયું
પાર્થ ભટ્ટ,ઇડર: સાબરકાંઠા જિલ્લાના ઇડર ખાતે છૂટક મજૂરી કરતા સરણીયા બાબીબેન મુકેશભાઇની પુત્રી સોહાનીને RBSK (રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ) ટીમ દ્વારા જન્મજાત હૃદય સંબંધિત તકલીફમાંથી મુક્ત કરાવી નવજીવન આપ્યું છે. માહિતી અનુસાર મજૂરી કરી જીવન ગુજારતા પરીવારની પુત્રીને જન્મજાત હૃદયની બીમારી હતી જેને પગલે RBSK દ્વારા આ બાળકીનું નિશુલ્ક ઓપરેશન કરાયુ હતું. બાળકીના માતા બાબીબેન ઇડર ખાતે સોસાયટીઓમાં ઘર કામ કરે છે અને પિતા મુકેશભાઇ સરણીયા છૂટક મજૂરી કરે છે. મુકેશભાઇને સંતાનમાં બે દિકરા અને એક દિકરી છે.
બાબીબેને 14 ઓક્ટોબર 2023ના રોજ પુત્રીને જન્મ આપ્યો હતો. પુત્રીના આગમનથી પરિવાર ખૂબજ ખુશ હતાં. 25 ઓક્ટોબરના રોજ દિકરીને આંગણવાડી પહોંચ્યા હતા, ત્યાં તપાસ કરતાં જાણ થઇ કે પુત્રીને હૃદયની બીમારી છે અને શ્વાસમાં લેવામાં તકલીફ પડે છે. આંગણવાડીમાં આ બીમારીની જાણ થતાં જ વધુ ટેસ્ટ કરાવવા માટે હિંમતનગર સિવિલ હોસ્પિટલ લઇ જવામાં આવ્યાં હતા. સિવિલ હોસ્પિટલના ડોક્ટરની પ્રાથમિક તપાસ બાદ તાત્કાલિક અમદાવાદ ખાતે યુ.એન. મહેતા હોસ્પિટલ જવા સૂચન કર્યું હતું. યુ.એન. મહેતા હોસ્પિટલ ખાતે જન્મજાત હ્રદય સંબંધિત બિમારી જણાતા તાત્કાલિક ઓપરેશન કરવામાં આવ્યું હતું.
માતા બાબીબેન જણાવ્યું હતું કે, ઈડર આર.બી.એસ.કેની ટીમ દ્વારા તેમને ખૂબ જ મદદ કરી છે અને તેમની બાળકીને તાત્કાલિક સારવાર અપાઈ જેના કારણે આજે તેમની બાળકી સ્વસ્થ છે જેના માટે તેઓ અને તેમનો પરીવાર ગુજરાત સરકારનો અને આરોગ્ય વિભાગનો ખૂબ ખૂબ આભારી છે.