December 19, 2024

RBIએ આપી લીલી ઝંડી, ઇન્ડસઇન્ડ બેંકમાં પ્રમોટરની ભાગીદારીમાં વધારો

અમદાવાદ: પ્રાઈવેટ સેક્ટરની ઇન્ડસઇન્ડ બેંકમાં પ્રમોટર્સ પોતાની ભાગીદારી વધારવા જઈ રહ્યા છે. આ સંબંધિત પ્રસ્તાવ પર રિઝર્વ બેંક પાસેથી મંજૂરી મળી ચૂકી છે. હવે નિયામકીય પ્રક્રિયા પર કામ ચાલી રહ્યું છે. જેમાં સમય લાગી શકે છે.

આટલો હિસ્સો વધારવાની યોજના
ઇન્ડસઇન્ડ બેન્કને ઇન્ડસઇન્ડ ઇન્ટરનેશનલ હોલ્ડિંગ લિમિટેડ એટલે કે IIHL દ્વારા પ્રમોટ કરવામાં આવે છે, જે હિન્દુજા ગ્રૂપની કંપની છે. IIHL પાસે ઇન્ડસઇન્ડ બેંકમાં પહેલેથી જ 16.40 ટકા હિસ્સો છે. તે તેનો હિસ્સો વધારીને 26 ટકા કરવાની યોજના ધરાવે છે. આનો અર્થ એ થયો કે હિન્દુજા ગ્રૂપની કંપની ઇન્ડસઇન્ડ બેન્કમાં પોતાનો હિસ્સો લગભગ 10 ટકા વધારી શકે છે.

આ પણ વાંચો: મસાલામાં 10 ગણું વધારે પેસ્ટિસાઈડ મેળવવાની મંજૂરી FSSAIએ આપી?

આ કારણે સમય લાગી રહ્યો છે
હિન્દુજા ગ્રૂપના ડિરેક્ટર અશોક હિન્દુજાએ તાજેતરમાં મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે રિઝર્વ બેન્ક પ્રમોટરનો હિસ્સો વધારવા માટે સંમત થઈ છે. હવે માત્ર નિયમનકારી પ્રક્રિયાઓને કારણે આ કામમાં સમય લાગી રહ્યો છે.

ઇન્ડસઇન્ડ બેન્કના શેરમાં વધારો
ઇન્ડસઇન્ડ બેંકની ગણના ભારતની સૌથી પ્રખ્યાત ખાનગી બેંકોમાં થાય છે. બેંકની વેબસાઈટ પર આપવામાં આવેલી માહિતી અનુસાર, હાલમાં તેના લગભગ 4 કરોડ ગ્રાહકો છે. પ્રમોટરો દ્વારા હિસ્સો વધારવાના સમાચાર બહાર આવ્યા બાદ ઇન્ડસઇન્ડ બેન્કના શેરમાં વધારો જોવા મળી રહ્યો છે. સોમવારે શરૂઆતના વેપારમાં ઇન્ડસઇન્ડ બેન્કના શેર દોઢ ટકાથી વધુ વધ્યા હતા અને રૂ. 1,500ની ઉપર ટ્રેડ કરી રહ્યા હતા. આ કિંમતે, IIHLને વધારાનો 10 ટકા હિસ્સો ખરીદવા માટે રૂ. 11,500 કરોડથી વધુ ખર્ચ કરવો પડી શકે છે.

IIHL આ સોદા કરી રહી છે
હિન્દુજા ગ્રૂપની રોકાણ કંપની IIHL ટૂંક સમયમાં એસેટ મેનેજમેન્ટમાં પણ પ્રવેશવા જઈ રહી છે. કંપની ઇન્વેસ્કો એસેટ મેનેજમેન્ટ કંપની ઇન્ડિયા લિમિટેડને હસ્તગત કરવાની પ્રક્રિયામાં છે. આ ઉપરાંત, IIHL કોર્પોરેટ નાદારી પ્રક્રિયા દ્વારા રિલાયન્સ કેપિટલ પાસેથી સોદો મેળવવામાં સફળ રહી છે. આ સોદાઓ મ્યુચ્યુઅલ ફંડ્સ, સ્ટોક સિક્યોરિટીઝ, એસેટ રિકન્સ્ટ્રક્શન, ઇન્શ્યોરન્સ બિઝનેસ જેવા સેગમેન્ટમાં IIHLને એન્ટ્રી આપશે.