January 7, 2025

Navratri 2024: જૂનાગઢ પોલીસ માટે ‘રક્ષક નવરાત્રિ મહોત્સવ’ યોજાયો

Navratri 2024: આજથી નવરાત્રિનો પ્રારંભ થઈ રહ્યો છે ત્યારે નવરાત્રિ દરમિયાન પોલીસ પોતાની ફરજ પર હોય છે, બંદોબસ્તમાં હોય છે, સાથે વહીવટી તંત્રના અધિકારીઓ પણ પોતાની ફરજ પર રહેશે અને સિવિલ હોસ્પિટલનો સ્ટાફ પણ સ્ટેન્ડ બાય રહેશે ત્યારે બંદોબસ્તમાં રહેતા પોલીસ કર્મચારીઓ પણ નવરાત્રિના ગરબાનો આનંદ માણી શકે તે માટે જૂનાગઢ પોલીસ દ્વારા રક્ષક નવરાત્રિ રાસગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું.

જૂનાગઢ પોલીસ દ્વારા નવરાત્રિ પૂર્વે રક્ષક નવરાત્રિ રાસગરબા યોજાયા હતા. જેમાં ધારાસભ્ય સંજય કોરડીયા, જિલ્લા કલેક્ટર અનિલકુમાર રાણાવસિયા, એસપી હર્ષદ મહેતા, અધિક નિવાસી કલેક્ટર એમ.એફ. ચૌધરી, સિવિલ સુપ્રિટેન્ડેન્ટ કૃતાર્થ બ્રહ્મભટ્ટ, ડીવાયએસપી હિતેષ ધાંધલ્યા, ડીવાયએસપી બી સી ઠક્કર સહીતના અધિકારીઓએ માતાજીની આરતી કરીને ગરબા રમ્યા હતા. જૂનાગઢ પોલીસ પરિવાર માટે આ રાસગરબાનું આયોજન હોય અધિકારી અને કર્મચારી વચ્ચે એક પારિવારીક ભાવના સાથે, હોદ્દો નહીં પરંતુ એક પરિવારની જેમ કોન્સ્ટેબલથી લઈને એસપી સુધીના તમામ પોલીસ સ્ટાફ એક સાથે પરિવારની જેમ ગરબે રમ્યા હતા.

આ પણ વાંચો: ગાંધીનગરના રૂપાલ ગામની પલ્લીને લઈ મહત્ત્વની જાણકારી

ધારાસભ્ય સંજય કોરડીયા અને એસપી હર્ષદ મહેતાએ પણ સાથે તાલ મીલાવીને ગરબા રમ્યા હતા. સમગ્ર પોલીસ સ્ટાફ પોતાના પરિવારજનો, બાળકો સાથે ગરબા રમીને નવરા્ત્રિ પર્વની ઉજવણી કરી હતી. આજે રાત્રિથી તમામ પોલીસ સ્ટાફ બંદોબસ્તમાં રહેવાનો છે ત્યારે પોલીસકર્મી પણ ગરબાનો આનંદ માણી શકે તે હેતુ આ આયોજન કરવામાં આવ્યું હતું.