January 22, 2025

MP પરિમલ નથવાણીનું ‘ગીરની સિંહણ’ ગીત રિલિઝ, PMને સમર્પિત કર્યું

અમદાવાદ: વન્યજીવ પ્રેમી અને સંરક્ષક, રાજ્યસભાના સાંસદ તેમજ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડના ડાયરેક્ટર- કોર્પોરેટ અફેર્સ પરિમલ નથવાણીએ વિશ્વ સિંહ દિવસ (વર્લ્ડ લાયન ડે) 2024ના અવસરે ‘ગીર ગજવતી આવી સિંહણ’ શીર્ષક ધરાવતું એક અનોખું વીડિયો ગીત રિલિઝ કર્યું છે. આ ગીત તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને સમર્પિત કર્યું છે.

લોકસંગીત શૈલીમાં લેખન અને સંગીતબદ્ધ કરાયેલા આ ગીતમાં ગીરની ગૌરવવંતી સિંહણ, તેની લાક્ષણિકતાઓ તથા અનેરી આભાની વાત કરી છે. આ ગીતમાં સૌરાષ્ટ્રના ગીરની લોકસંસ્કૃતિની અભિવ્યક્તિની સાથે-સાથે છંદો અને અલંકારયુક્ત પ્રાદેશિક સાંસ્કૃતિક વારસાની છાંટ જોવા મળે છે. તેની શરૂઆત દુહા વડે થાય છે અને સમપાન ચારચરી (ઝડપી સ્વરમાં ગવાતી ચોપાઈ)થી થાય છે.

આ પણ વાંચોઃ ગીરમાં સિંહ-માણસનો સંબંધ પરિવાર જેવો, જાણો સિંહ સાથે જોડાયેલી અવનવી વાતો

આદિત્ય ગઢવીએ આ ગીતને પોતાનો મખમલી કંઠ આપ્યો છે, જ્યારે કેદાર અને ભાર્ગવે આપેલા સંગીતમાં પરંપરા અને ફ્યુઝનનું અનોખું મિશ્રણ કરવામાં આવ્યું છે. તેમજ આ ગીતના શબ્દો પ્રસિદ્ધ અને યુવા ગીતકાર પાર્થ તારપરાના છે.

નથવાણીએ જણાવ્યું હતુ કે, ‘ગીર ગજવતી આવી સિંહણ એ ફક્ત ગીત નથી, પરંતુ ગીરની ગૌરવવંતી સિંહણની પ્રશસ્તિ અને આપણી સમૃદ્ધ સાંસ્કૃતિક ધરોહરની ઉજવણી છે. રાજવી ઠાઠ ધરાવતા ગીરના એશિયાટિક સિંહો વિશે તો અત્યાર સુધીમાં ઘણાં ગીતો લખાઈ ચૂક્યા છે, પરંતુ ગીરની એટલી જ ગૌરવવંતી સિંહણ પર કદાચ ઓડિયો વિઝ્યુઅલ રજૂઆત કરવામાં આવી નથી. એશિયાટિક સિંહોના એકમાત્ર નિવાસ એવા ગીરમાં સિંહોના સંવર્ધન માટે અથાગ પ્રયત્નો કરનારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આ ગીત સમર્પિત કરતા હું અત્યંત ગૌરવ અનુભવી રહ્યો છું. ભારતમાં એશિયાટીક સિંહોની વસતિ 2015માં 523 હતી જેમાં ઐતિહાસિક વૃદ્ધિ નોંધાતા તેનો આંક 2021માં વધીને 674 થઈ ગયો હતો.’

આ પણ વાંચોઃ આ છે ગીરનો સૌથી સુંદર સિંહ ‘ક્વોલિટી’, જુઓ તસવીરોમાં

નથવાણીએ સિંહ અંગે બે કોફી ટેબલ બૂક લખી છે અને ગીર અંગેના અસંખ્ય વૈવિધ્યસભર વીડિયો તથા ફોટોગ્રાફ્સ રજૂ કર્યા છે. તાજેતરમાં જ તેમણે કૉલ ઑફ ધ ગીર પુસ્તક રજૂ કર્યું છે, જે માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીને તેમના દૂરંદેશીપૂર્ણ પ્રોજેક્ટ લાયન માટે અર્પણ કર્યું છે. આ પુસ્તકમાં વડાપ્રધાનનો સંદેશ પણ છે. આ અગાઉ 2017માં નથવાણીએ ગીર લાયનઃ પ્રાઇડ ઑફ ગુજરાતનું આલેખન કર્યું હતું. તેમાં ગીરના સિંહોના અદ્દભૂત ફોટોગ્રાફ્સ રજૂ કરવાની સાથે-સાથે તેમના સંવર્ધનની તાતી જરૂરીયાત પર ભાર મૂકવામાં આવ્યો હતો. આ મોહક સિંહણ ગીત ગીર તેમજ એશિયાટિક લાયન્સ તરફના તેમના ઊંડા લગાવ અને પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કરે છે.