રાજ્યસભાના ચારેય ઉમેદવાર બિનહરીફ વિજેતા બને તેવી શક્યતા
ગાંધીનગરઃ રાજ્યસભામાં ગુજરાતની ચાર સીટ ખાલી થતાં નામાંકન ભરવામાં આવ્યા હતા. ત્યારે આ ફોર્મ પરત ખેંચવાનો આજે છેલ્લો દિવસ છે. ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાંથી ભાજપના ચાર ઉમેદવારોએ નામાંકન ભર્યું છે.
મહત્વનું છે કે, ડમી ઉમેદવાર રજની પટેલે ભરેલું ફોર્મ પરત ખેંચી નાંખ્યું છે. જ્યારે અપક્ષ ઉમેદવાર પરેશ મુલાણીને સમર્થન ન મળતા તેમનું નામાંકન રદ્દ થયું છે. આ પરિસ્થિતિ વચ્ચે હવે રાજ્યસભા માટે ફોર્મ ભરનારા ભાજપના ચારેય ઉમેદવાર બિનહરીફ જીતી જાય તેવી શક્યતા છે. આ અંગે આજે સત્તાવાર જાહેરાત કરવામાં આવશે.
ભાજપે રાજ્યસભા ચૂંટણી માટે આ યાદીમાં ગુજરાતમાંથી જે.પી. નડ્ડા, ગોવિંદભાઈ ધોળાકિયા, મયંકભાઈ નાયક અને અને જશવંતસિંહ સાલમસિંહના નામની જાહેરાત કરી છે. ચારેય ઉમેદવારે આજે ફોર્મ ભર્યા છે.
રાજ્યસભા માટે 27 ફેબ્રુઆરીએ થશે મતદાન
રાજ્યસભાની ચૂંટણી માટે 27 ફેબ્રુઆરીએ મતદાન થશે અને મતદાન સવારે 9 વાગ્યાથી સાંજે 4 વાગ્યા સુધી થશે. મતદાન થયા બાદ તે જ દિવસે ચૂંટણીના પરિણામો જાહેર કરવામાં આવશે. નોંધનીય છે કે ઉમેદવારોના નામાંકન માટેની છેલ્લી તારીખ 15 ફેબ્રુઆરી છે. રાજ્યસભાની કુલ બેઠકોની સંખ્યા 245 છે.