December 19, 2024

અમરેલી : રાજુલાની માનવભક્ષી સિંહણ આખરે પાંજરે પુરાઈ

રાજુલાના વાવેરા પંથકને બાનમાં લેનાર સિંહણ આખરે પાંજરે પુરાઈ છે. ત્રણ વ્યક્તિ પર જીવલેણ હુમલો કરનાર સિંહણને વનવિભાગ દ્વારા ભારે જહેમત બાદ પાંજરામાં પુરવામાં આવી છે. જે બાદ વાવેરા ગામના લોકોએ રાહતનો શ્વાસ લીધો છે. શુક્રવારે માનવભક્ષી સિંહણે એક જ દિવસમાં ત્રણ લોકો પર જીવલેણ હુમલો કર્યો હતો.

રાજુલાના વાવેરા ગામે એક સાથે 2 વ્યક્તિ પર સિંહણે જીવલેણ હુમલો કર્યો હતો. વાડીમાં બનાવેલ મકાનમાં વિજય સોલંકી અને મંજુબેન હાજર હતા. એ સમયે અચાનક સિંહણ ત્યાં આવી ચડી હતી. જેના અચાનક હુમલાના કારણે બંને ઘાયલ થયા હતા. જેની આસપાસના લોકોને જાણ થતા બંને ઘાયલોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. આ ઘટનાના કારણે વાડીવિસ્તારમાં રહેતા લોકોમાં ભયનો માહોલ છવાયો હતો. સિંહણે એ પહેલા એક યુવાન પર પણ હુમલો કર્યો હોવાની માહિતી મળી હતી. હુમલા બાદ ગ્રામજનોએ વનવિભાગને જાણ કરી હતી. એ બાદ વનવિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ સિંહણને પાંજરે પુરવાના કામમાં લાગી ગયા હતા.

વનવિભાગની 10 કલાકની મહેનત બાદ આખરે સિંહણ પાંજરે પુરાઈ હતી. જેના કારણે ગ્રામજનોએ રાહતનો શ્વાસ લીધો હતો.