November 25, 2024

રાજુલાના પૂર્વ કોંગી ધારાસભ્ય અંબરિશ ડેર ભાજપમાં જોડાશે!

અંબરિશ ડેર - ફાઇલ તસવીર

ગાંધીનગરઃ લોકસભા ચૂંટણી પહેલા ન્યૂઝ કેપિટલ પર મોટા સમાચાર સામે આવ્યા છે. રાજુલાના પૂર્વ ધારાસભ્ય અને કાર્યકારી પ્રમુખ ભાજપમાં જોડાય તેવી અટકળો ચાલી રહી છે. પૂર્વ ધારાસભ્ય અંબરિશ ડેરે નજીકના લોકોને ભાજપમાં જોડાતા હોવાની વાત કરી છે. ત્યારે તેને લઈને રાજકારણ ગરમાયું છે.

રાહુલ ગાંધીની ન્યાયયાત્રા ગુજરાતમાં 7 તારીખે તે પહોંચે તે પહેલાં જ ગુજરાત કોંગ્રેસમાં ગાબડું પડવાની શક્યતા છે. ત્યારે અંબરિશ ડેર આહિર સમાજનું મોટું નામ છે. આગામી બે-ત્રણ દિવસમાં ભાજપમાં જોડાય તેવી શક્યતાઓ પ્રબળ બની છે.

બે દિવસ પહેલાં મળેલી કોંગ્રેસની વિસ્તૃત કારોબારી બેઠકમાં અંબરિશ ડેર ગેરહાજર રહ્યા હતા. ત્યારથી તેઓ ભાજપમાં જોડાય તેવી અટકળો તેજ થઈ રહી હતી. જો કે, આ અગાઉ ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલે પણ તેમની સભામાં અંબરિશ ડેરને ભાજપમાં જોડવવા માટે જાહેરમાં આમંત્રણ પણ આપ્યુ હતું. તેમણે કહ્યુ હતુ કે, ‘અંબરિશ ડેર માટે મેં બસમાં રૂમાલ રાખી સીટ રોકી હતી, પણ તેઓ ગાડી ચૂકી ગયા હતા.’

કોંગ્રેસના દિગ્ગજ નેતા જોડાય તેવી અટકળો
ઉલ્લેખનિય છે કે, 2024માં લોકસભાની ચૂંટણી યોજવા જઈ રહી છે. જેને લઈને ભાજપ સહિતની તમામ પાર્ટીઓ તૈયારીમાં લાગી ગઈ છે. ગુજરાતમાં પણ લોકસભા ચૂંટણીને લઈને તૈયારીઓ તેજ કરી દેવામાં આવી છે. તેવા સમયે ગુજરાતના ઘણા નામી વિપક્ષી નેતાઓ કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાશે તેવી અટકળો વહેતી થઈ ગઈ છે. એક અહેવાલમાં એવો પણ દાવો કરવામાં આવી રહ્યો છે કે, કોંગ્રેસના ઘણા મોટા નેતાઓ ભાજપનો ખેસ ધારણ કરશે. જેમાં કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ અને પૂર્વ વિપક્ષી નેતા અર્જુન મોઢવાડિયા, અંબરીશ ડેર સહિતના નેતાઓના નામ સામેલ છે.

ગઈકાલે ભાજપે 15 સાંસદોની જાહેરાત કરી
લોકસભા ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે. તેમ તેમ તમામ પક્ષો જીતવા માટે એડીચોટીનું જોર લગાવી રહ્યા છે. ત્યારે ગઈકાલે ભાજપે પ્રેસ કોન્ફરન્સ કરી દેશના અલગ અલગ રાજ્યોમાં અમુક ઉમેદવારોના નામ જાહેર કરતી પહેલી યાદી બહાર પાડી છે. જેમાં ગુજરાતના 15 ઉમેદવારોના નામ જાહેર કર્યા છે. તેમાં 10 સાંસદને રિપિટ કરવામાં આવ્યા છે અને 5 નવા ઉમેદવારો પર બાજી લગાવવામાં આવી છે.