રાજકોટમાં માલવાહક લિફ્ટમાં ફસાતા મહિલાનું મોત, છત પરથી પગ લપસતા નીચે પડ્યા હતા
રાજકોટઃ શહેરની સોમનાથ સોસાયટી મેઈન રોડ વિસ્તારમાં ગત રાત્રીના એક દુર્ઘટના બની હતી. જેમાં એક મહિલાએ જીવ ગુમાવ્યો છે. માલવાહક લિફ્ટમાં ફસાઈ જતા મહિલાનું મોત નીપજ્યું છે. આ સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે.
મળતી માહિતી પ્રમાણે, રેખાબેન રાવરાણી નામના મહિલા માલવાહક લિફ્ટની ગ્રીલમાં ફસાયા હતા. મહિલા ઘરની છત પરથી પગ લપસતા નીચે પટકાયા હતા અને લિફ્ટની ગ્રીલમાં ફસાઈ ગયા હતા. ઉલ્લેખનીય છે કે, શૈલેષ પાંભર નામના વ્યક્તિના ઘરની છત પર ગોડાઉન બનાવવામાં આવ્યું છે.
મહિલાને માલવાહક લિફ્ટની ગ્રીલ તોડીને બહાર કાઢવામાં આવ્યા હતા. મહિલાનું માથું નીચે અને પગ ઉપરની તરફ હતા. તેમને જોઈને તાત્કાલિક આસપાસના લોકો મદદે દોડી આવ્યા હતા. પરંતુ મહિલાનો જીવ બચી શક્યો નહોતો. સ્થાનિક યુવાનોએ ફાયર વિભાગને આ ઘટનાની જાણ કરી હતી. પરંતુ ફાયર વિભાગ પહોંચે તે પહેલાં જ ડ્રિલિંગ મશીનથી ગ્રીલ તોડી મહિલાને બહાર કાઢવામાં આવી હતી. ત્યારબાદ મહિલાને તાત્કાલિક સિવિલ હોસ્પિટલ ખસેડવાાં આવી હતી.