રાજકોટનો વિચિત્ર કિસ્સો, મહિલાને નાકમાં દાંત ઉગ્યો! ડોક્ટરે સફળ સર્જરી કરી
રાજકોટઃ શહેરમાં એક અજીબોગરીબ કિસ્સો સામે આવ્યો છે. 38 વર્ષીય મહિલા મીનાક્ષીબેનને (નામ બદલાવેલું) છેલ્લા 10 વર્ષથી જમણા નાકમાં અવરોધ, દુર્ગંધ મારતું પ્રવાહી, ગંભીર માથાનાં દુખાવા અને વારંવાર શરદીની સમસ્યાથી પીડાતા હતા. સ્થાનિક દવાઓથી રાહત ન મળતાં તેમણે રાજકોટના અનુભવી ઈએનટી સર્જન ડૉ. હિમાંશુ ઠક્કરનો સંપર્ક કર્યો હતો. ત્યારે ડોક્ટરે એન્ડોસ્કોપી અને સિટી સ્કેન કરતા ચોંકાવનારી માહિતી મળી હતી.
ડૉ. હિમાંશુ ઠક્કરે નાકની એન્ડોસ્કોપી અને સિટી સ્કેન કરતા જાણવા મળ્યું હતું કે, જેમાં જમણા નાકમાં દાંત જેવી રચના મળી હતી, જે ગ્રેન્યુલેશન ટિશ્યૂ અને પ્રવાહીથી ઘેરાયેલી હતી. તેને ‘એક્ટોપિક ટૂથ’ તરીકે ઓળખવામાં આવે છે, જે દાંત ખોટી જગ્યાએ ઉગે ત્યારે થાય છે. આ એક અતિદુર્લભ સ્થિતિ છે, જેની ઘટનાઓ માત્ર 0.1%થી 1% કેસમાં થાય છે અને માહિતી પ્રમાણે, વિશ્વભરમાં 50થી પણ ઓછા કેસ નોંધાયેલા છે.
ડૉ.હિમાંશુ ઠક્કરે દર્દીને એન્ડોસ્કોપિક સર્જરીની સલાહ આપી હતી. ઓપરેશન દરમિયાન મોટી પથ્થર જેવી રચના મળી આવી હતી. જેને Rhinolith કહેવાય છે તે બહાર કાઢવામાં આવી હતી. તેમાં દાંત ઉગ્યો હતો. આ દાંત જમણા નાકના અંદરના ભાગમાં (ઇન્ફિરિયર ટર્બિનેટ) ઉગ્યો હતો. સર્જરી પૂરી રીતે સફળ રહી અને દર્દીને કોઈપણ જાતની તકલીફ વિના હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા.
હવે મીનાક્ષીબેન સંપૂર્ણ રીતે તંદુરસ્ત છે. તેમના માથાનો દુખાવો દૂર થઈ ગયો છે અને તેઓ સરળતાથી શ્વાસ લઈ શકે છે. દર્દીએ ડૉ. હિમાંશુ ઠક્કરનો હ્રદયપૂર્વક આભાર માન્યો હતો.