રાજકોટના વાયરલ વીડિયો મામલે મુકેશ દોશીની સ્પષ્ટતા – ભાજપને બદનામ કરવાનું કાવતરું
રાજકોટઃ રણછોડદાસ ચેરિટેબલ ટ્રસ્ટની હોસ્પિટલમાં દર્દીઓને ભાજપના સદસ્ય બનાવવા મામલે રાજકોટ શહેર બીજેપી પ્રમુખ મુકેશ દોશીનું નિવેદન સામે આવ્યું છે. તેમણે જણાવ્યુ છે કે, આ સમગ્ર મામલે મારા ઝોન મહામંત્રીને તપાસ કરવાના આદેશ આપવામાં આવ્યા છે. આ વીડિયોમાં દેખાતો વ્યક્તિ કોણ છે તે બાબતે તપાસ કરવામાં આવશે.
તેમણે વધુમાં જણાવ્યુ હતુ કે, કોઈને પણ એવો ટાર્ગેટ નથી આપવામાં આવ્યો કે તેમણે ઊંઘતા દર્દીઓને હોસ્પિટલમાં ઉઠાડીને સદસ્ય બનાવવા પડે. આ પ્રકારનો ઉત્સાહ અને ઉન્માદ ક્યારેય પણ સાખી લેવામાં નહીં આવે. રાજકોટ શહેર ભાજપના કાર્યકર્તાઓએ 50 દિવસ સુધી મર્યાદા જાળવીને ટાર્ગેટ કરતાં પણ વધુ લક્ષ્યાંક હાંસલ કર્યો છે. તેમણે સખત શબ્દોમાં આ ઘટનાને વખોડી કાઢી છે અને કહ્યુ છે કે, ભાજપને બદનામ કરવાનો કોઈ પ્રયત્ન નથી કરતું ને? તેની પણ તપાસ કરાશે.
શું હતી સમગ્ર ઘટના?
જૂનાગઢમાં 16 ઓક્ટોબરના રોજ નિઃશુલ્ક કેમ્પ હતો. આંખના ઓપરેશન માટે જુનાગઢમાં નિઃશુકલ કેમ્પ યોજાયો હતો. ડો. ચીખલિયા દ્વારા આ કેમ્પ યોજવામાં આવ્યો હતો. જૂનાગઢમાં ત્રિમૂર્તિ હોસ્પિટલમાં આ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. અહીં આંખના ઓપરેશન માટે આવેલા દર્દીઓને બીજેપીના સભ્યો બનાવી દીધા હતા. સૂતા વ્યક્તિઓને જગાડીને બીજેપીના સભ્યો બનાવવામાં આવ્યા હતા. જૂનાગઢના કમલેશ ઠુમ્મર નામના દર્દીએ મોબાઈલમાં વીડિયો ઉતારી લેતા સમગ્ર ઘટનાનો ભાંડો ફૂટ્યો હતો.