રાજકોટમાં બે દિવસ હિટવેવની આગાહી, મહાનગરપાલિકા તંત્ર એલર્ટ
રાજકોટઃ ગુજરાતમાં તાપમાનનો પારો વધી રહ્યો છે. ત્યારે રાજકોટ શહેરમાં આગામી 2 દિવસ હિટવેવની આગાહી કરવામાં આવી છે. તેને પગલે મહાનગરપાલિકા તંત્ર એલર્ટ બન્યું છે. લોકોને ગરમીમાં લૂથી બચવા વિવિધ તકેદારીઓ રાખવા અપીલ કરવામાં આવી છે.
રાજકોટ શહેરમાં આગામી 2 દિવસ હિટવેવની આગાહી છે. હિટવેવની આગાહીને પગલે રાજકોટ મહાનગરપાલિકાનું આરોગ્ય વિભાગ સતર્ક બન્યું છે. શહેરના દરેક ચોકમાં રાખેલી LEDમાં લૂથી બચવાના ઉપાયો અને જો લૂ લાગે તો શું લક્ષણો હોય, તેની માહિતી આપવામાં આવી રહી છે. આરોગ્ય વિભાગ દ્વારા લોકોને ઘરની બહાર નીકળે ત્યારે ટોપી, મોઢે રૂમાલ બાંધીને નીકળે તેવો અનુરોધ કરવામાં આવે. તેના માટે એડવાઇઝરી બહાર પાડવામાં આવી છે.
રાજકોટ શહેરમાં લોકો ગરમીમાં રાહત મેળવવા શેરડીના રસનો ઉપયોગ કરી રહ્યા છે. તેમજ લૂથી બચવા માટે તકેદારી રાખી રહ્યા છે. આગામી દિવસોમાં 40 ડિગ્રીથી વધુ તાપમાન થવાની શક્યતા છે ત્યારે સાવચેતી ખૂબ જ જરૂરી બની છે.
હવામાન વિભાગે, સૌરાષ્ટ્ર-કચ્છમાં 4 દિવસ હીટવેવની આગાહી કરી છે. ત્યારે ભૂજ રાજ્યનું સૌથી વધુ ગરમ શહેર બન્યું છે. રાજ્યના 4 શહેરોમાં મહત્તમ 40 ડિગ્રીને પાર થઈ ગયો છે. આગામી 2 દિવસમાં ગરમીનો પારો હજુ વધવાની શક્યતા છે. ત્યારે આ મામલે રાજ્યમાં સ્કૂલોનો સમય સવારનો કરવાની માગ કરવામાં આવી છે.
ક્યાં કેટલું તાપમાન નોંધાયું?
- ભૂજમાં 43.5 ડિગ્રી તાપમાન
- કંડલામાં 40.4 ડિગ્રી તાપમાન
- અમદાવાદમાં 40.2 ડિગ્રી તાપમાન
- ગાંધીનગરમાં 39.6 ડિગ્રી તાપમાન
- રાજકોટમાં 39 ડિગ્રી તાપમાન
- સુરતમાં 38.6 ડિગ્રી તાપમાન
- વડોદરા 38 ડિગ્રી તાપમાન
- ડિસામાં 37.6 ડિગ્રી તાપમાન