November 5, 2024

રાજકોટ અગ્નિકાંડ મામલે HCમાં સુનાવણી, રાજકોટ મનપા કમિશરને ઝાટક્યાં

રાજકોટઃ TRP ગેમ ઝોન અગ્નિકાંડ મુદ્દે હાઇકોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી. ત્યારે કોર્ટે રાજકોટ મનપા કમિશનરનો ઉધડો લીધો હતો. કોર્ટે કહ્યું હતું કે, ‘કામ કર્યું તેના સોગંદનામા અને જસ્ટિફિકેશન આપવા કરતાં કોર્ટેના હુકમના પાલન બાબતની જાણ કેમ નથી કરવામાં આવી? બેદરકારી અને મોનિટરિંગના અભાવ બાદ પણ પોતાની ભૂલ નથી તેવા સોગંદનામાં શા માટે કરવામાં આવ્યાં છે?’

રાજકોટ મહાનગરપાલિકાએ કરેલું સોગંદનામું હાઇકોર્ટે સ્વીકારવાનો ઇનકાર કર્યો હતો. ત્યારબાદ રાજકોટ મહાનગરપાલિકાએ સોગંદનામું પાછું ખેંચી લીધું હતું. ત્યારબાદ હાઇકોર્ટે રાજકોટ મહાનગરપાલિકાને કોર્ટના હુકમ બાદ લેવામાં આવેલાં પગલાં અંગે નવેસરથી રિપોર્ટ બનાવીને સોગંદનામું કરવા માટે આદેશ આપ્યો હતો.

આ ઉપરાંત હાઇકોર્ટે ટાંક્યું હતું કે, ‘અગ્નિકાંડમાં મૃત્યુ પામેલા લોકોના પરિવારજનોને વળતર આપવામાં આવ્યું હતું. તેના પગલાંઓ માટે થયેલી કામગીરી અંગેનો રિપોર્ટ પણ નવેસરથી સોગંદનામા પર રજૂ કરવાનો રહેશે.’ આ મામલે વધુ સુનાવણી આગામી 27 સપ્ટેમ્બરે હાથ ધરાશે.