December 19, 2024

રાજકોટ: ફૂટપાથ પરની આ બજારમાં થાય છે કરોડોનું ટર્નઓવર!

રાજકોટના આજીડેમ પાસે 40 વર્ષથી ફૂટપાથ પર રવિવારી બજાર ભરાય છે. જેના પર એક શિક્ષકે રિસર્ચ પેપર તૈયાર કર્યું છે. જે અનુસાર આ બજાર એક મહિનામાં અંદાજીત 12 કરોડનું ટર્નઓવર કરે છે. મતલબ કે દર રવિવારીમાં 4 કરોડ જેટલુ ટર્નઓવર થાય છે. 7.50 લાખ ફૂટમાં પથરાયેલી આ રવિવારી બજારમાં 2700 વેપારીઓ છે. જેઓ સેકેન્ડ હેન્ડ વસ્તુઓનો વેપાર કરે છે.

ગુજરાતનું પહેલું સંશોધન
રાજકોટના અધ્યાપક ડૉ.હિરેન મહેતા કે જેઓ છેલ્લાં 12 વર્ષથી વધુ સમયથી શિક્ષણ ક્ષેત્રે જોડાયેલા છે. તેમણે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાએ 15 થી વધુ રિસર્ચ પેપર તૈયાર કર્યાં છે. અધ્યાપકે રાજકોટની રવિવારી બજાર પર સંશોધન કરી રિસર્ચ પેપર રજૂ કર્યું છે. જે UGC કેર લિસ્ટમાં પબ્લિશ થયું છે. જમ્મુ કાશ્મીર બાદ ભારતમાં અને ખાસ કરીને ગુજરાતમાં એવું પ્રથમ સંશોધન છે કે જે રવિવારી પ્રકારની બજાર પર થયેલું છે.

સ્ટાર્ટ-અપના સપનું જોનારા યુવાઓ માટે ખાસ
ડૉ.મહેતાએ આ અભ્યાસમાં ગુજરાતના રાજકોટમાં રવિવારી બજારના વિવિધ પાસાઓનું વિશ્લેષણ કરવાનો પ્રયાસ કર્યો છે. મુખ્ય હેતુ સમાજના આર્થિક વિશ્લેષણનો અભ્યાસ કરવાનો છે. રવિવારી બજાર નાના વેપારીઓ અને સૂક્ષ્મ ઉદ્યોગ સાહસિકોને રોજગારી પૂરી પાડે છે. કેન્દ્ર સરકાર દ્વારા નાના ઉદ્યોગકારોને પ્રોત્સાહન આપવા માટેની અપીલ કરવામાં આવી રહી છે ત્યારે રાજકોટના રિસર્ચ પેપર સ્ટાર્ટઅપમાં જોડાયેલા વિદ્યાર્થીઓ તેમજ સંશોધકો માટે ખૂબ જ ઉપયોગી સાબિત થઈ શકે તેમ છે.

આ માર્કેટ છે સેકન્ડ હેન્ડ
આ બજારમાં સેકન્ડ હેન્ડ કપડાં, ફર્નિચર, સાયકલ, ઇલેક્ટ્રોનિક ગેજેટ્સ, ઘર વપરાશની પ્લાસ્ટિકની વસ્તુઓ, સાજ સજાવટની વસ્તુઓ, એન્ટિક વસ્તુઓ ખૂબ જ સસ્તા દરે લોકોને મળી રહે છે. અહીં પણ ઓનલાઈન પેમેન્ટની સુવિધા લોકોને પૂરી પાડવામા આવે છે.દર રવિવારે કરોડોનું ટર્ન ધરાવતી રાજકોટની રવિવારી બજારમાં માત્ર રાજકોટ જ નહીં સૌરાષ્ટ્રભરમાંથી લોકો પોતાને જોઈતી તમામ ચીજવસ્તુઓની ખરીદી કરવા આવે છે. અહીં સરળતાથી લોકોને પોસાય તે બજેટમાં વસ્તુઓ મળી પણ રહે છે.