November 22, 2024

સ્વામીની ઠગલીલા! સ્વામિનારાયણ મંદિર બનાવવાનું કહીને કરોડો પડાવ્યાં

રાજકોટઃ સ્વામિનારાયણ સંપ્રદાય અનેકવાર વિવાદમાં આવે છે. ત્યારે ફરી એકવાર છેતરપિંડી કરવા મામલે વિવાદમાં આવ્યો છે. સ્વામિનારાયણ મંદિરના સ્વામી દ્વારા કરોડો રૂપિયાની ઠગાઈ આચરવામાં આવી હોવાની ફરિયાદ દાખલ કરવામાં આવી છે.

મળતી માહિતી પ્રમાણે, વડતાલ સ્વામિનારાયણ મંદિરમાંથી કાઢી મૂકેલા 4 સ્વામી સહિત 8 શખ્સો સામે ફરિયાદ નોંધવામાં આવી છે. સ્વામિનારાયણ મંદિર બનાવવા માટે જગ્યા જોઈએ છે તેવું કહી સાધુઓએ કરોડો રૂપિયાની ઠગાઈ આચરી હતી. રાજકોટ, સુરેન્દ્રનગર, વિરમગામ અને સુરતમાં સ્વામી વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી છે.

રાજકોટના જસ્મીન માઢકે સ્વામીઓ વિરુદ્ધ ભક્તિનગર પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. જેકે સ્વામી, વીપી સ્વામી, એમપી સ્વામી, દેવપ્રકાશ સ્વામી સહિત 8 લોકો સામે ફરિયાદ નોંધવામાં આવી છે. જસ્મીન માઢકે જે તે વખતે રૂપિયાની લેતી દેતીના વીડિયો રેકોર્ડિંગ પણ પોલીસને આપ્યાં છે. સ્વામીની ટોળકીઓએ અલગ અલગ લોકો પાસેથી કરોડો રૂપિયા પડાવ્યા હોવાની અલગ અલગ ફરિયાદો નોંધાઈ છે.

સ્વામીની ગેંગના લોકો જમીન વેચનારા ખેડૂત અને દલાલ બંનેને ટોકન અપાવતા હોવાના આક્ષેપ કર્યા છે. ટોકન અપાવી પૈસા આખી ગેંગ વચ્ચે વહેંચી લેવામાં આવતા હોવાનો પણ તેમણે આક્ષેપ કર્યો છે. આ સ્વામી સુરતમાં 2, નડિયાદ, આણંદ, વિરમગામ આમ કુલ પાંચ ગુનામાં વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે.

વડતાલ સ્વામિનારાયણના સંતો દ્વારા છેતરપિંડી મામલે ફરિયાદી જસમીન માઢકે જણાવ્યુ છે કે, ‘510 વીઘા જગ્યાની જમીન લેવા માટે અમને કહ્યું હતું. પહેલા મહિલાઓ, બાદમાં પુરુષો અને હવે રૂપિયાની છેતરપિંડીમાં પણ સ્વામીઓ બદનામ થયા છે. સ્વામિનારાયણ સંપ્રદાયને મારી વિનંતી છે કે, પહેલા તમારા કૌભાંડી ટકલાવને સંભાળો બાદમાં લોકોને સલાહ આપો. સ્વામિનારાયણ મંદિર બનાવવાનું કહીને અમારી પાસેથી 3 કરોડ લીધા હતા. ન તો જમીન મળી ન તો અમારા રૂપિયા પરત મળ્યાં. અમે ફરિયાદ કરી તે તમામ સ્વામીઓ વોન્ટેડ છે. સ્વામિનારાયણ ધર્મના બેક ગ્રાઉન્ડમાં સમગ્ર કૌભાંડ કર્યું છે. વડતાલ સંપ્રદાયમાંથી હાંકી કઢાયેલા સ્વામીઓ છે. નૌતમ સ્વામીના નામે અમને ધમકીઓ આપે છે. અમે પેમેન્ટ આપ્યું, સાટાખત કર્યું તેનું અમારી પાસે વીડિયો રેકોર્ડિંગ છે. મુખ્યમંત્રીને અમારી રજૂઆત છે ગુજસીટોક હેઠળ ગુનો નોંધાવો જોઈએ.’