December 23, 2024

રાજકોટમાં વિદ્યાર્થીના આપઘાતઃ તપાસ અધિકારીએ કહ્યુ – ધમકીથી વિદ્યાર્થી ડરી ગયો ‘ને આપઘાત કર્યો

રાજકોટઃ મોટાવડા ગામની માધ્યમિક શાળામાં ભણતા વિદ્યાર્થીએ આપઘાત કરીને જીવન ટૂંકાવી નાંખ્યું હતું. તેણે સ્યૂસાઇડ નોટમાં શિક્ષકો પર ગંભીર આક્ષેપ કર્યા હતા. ત્યારે આ મામલે શિક્ષણ મંત્રીએ ત્રણ અધિકારીને તપાસ કરવા આદેશ આપ્યો હતો. ત્યારે તેમાંથી એક અધિકારીનું આ મામલે નિવેદન સામે આવ્યું છે.

આ સમગ્ર મામલે ત્રણ અધિકારીને તપાસ સોંપવામાં આવી હતી. તેમાંથી એક અધિકારીએ જણાવ્યુ હતુ કે, ‘છાપરા ગામના વરું પરિવારના ધ્રુમિલ ઉપર શાળાના શિક્ષકોએ બીક બતાવી હતી. પોલીસની બીક બતાવી જેલમાં મોકલવાની ધમકી આપી હતી. આ ધમકીથી વિદ્યાર્થી ડરી ગયો હતો અને તેણે આપઘાત કર્યો હતો.’

તપાસ ટીમ દ્વારા શાળાના આચાર્ય અને શિક્ષકોના નિવેદન નોંધવામાં આવ્યા છે. તપાસ કરનારી ટીમના સદસ્ય અલ્પા જોટાગિયાએ આ મામલે નિવેદન આપતા જણાવ્યું હતું કે, ‘આ મામલે તપાસ કરવામાં આવી છે. તમામના નિવેદન નોંધવામાં આવ્યા છે. જે રિપોર્ટ છે તે જિલ્લા શિક્ષણ અધિકારીને આપવામાં આવશે. પોલીસ આ મામલે તપાસ કરશે અને તેમાં જ હકીકત સામે આવશે. આ મામલે શાળામાં ભણતા વિદ્યાર્થીઓનું પણ નિવેદન નોંધવામાં આવ્યું છે.’