રાજકોટમાં વિદ્યાર્થીના આપઘાત મામલે ત્રણ શિક્ષક સામે દુષ્પ્રેરણાનો ગુનો દાખલ
રાજકોટઃ મોટાવડા ગામની માધ્યમિક શાળાના વિદ્યાર્થીના આપઘાત મામલે આખરે ફરિયાદ નોંધવામાં આવી છે. આપઘાત કરવા મજબૂર કરનારા ત્રણ શિક્ષક સામે ફરિયાદ નોંધવામાં આવી છે. મોસમી મેડમ, સચિન સર અને વિભૂતિ મેડમ સામે ફરિયાદ નોંધાવી છે.
ધ્રુમિલ વરુના પિતા ભરતભાઈ વરુએ ફરિયાદ નોંધાવી છે. આપઘાતની ફરજ પાડવાનો ગુનો નોંધાયો છે. ત્રણેય શિક્ષકને તાકીદે સસ્પેન્ડ કરવા મૃતકના પરિવારજનોની માગ છે. આ સમગ્ર મામલે જિલ્લા શિક્ષણ વિભાગે પણ તપાસ શરૂ કરી છે.
શું હતી સમગ્ર ઘટના?
મળતી માહિતી અનુસાર ધોરણ-11માં અભ્યાસ કરતા વિદ્યાર્થીએ સુસાઈડ નોટ લખી આત્મહત્યા કરી લીધી છે. વિદ્યાર્થીએ શિક્ષકનાં દબાણના કારણે આપઘાત કર્યો હોવાનો ઉલ્લેખ કરતા ખળભળાટ મચી ગયો છે. મોટવડા ઉચ્ચ માધ્યમિક સરકારી શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીએ આપઘાત પહેલા વિડિયો બનાવ્યો હતો. વિદ્યાર્થીએ શિક્ષકનાં દબાણના કારણે આપઘાત કર્યો હોવાનો સ્યુસાઇડ નોટમાં ઉલ્લેખ કર્યો છે. જે બાદ પરિવાર સાથે સાથે લોકોમાં ભારે રોષ જોવા મળી હતો. વાતની ગંભીરતાને લઈને શિક્ષણ વિભાગ પણ હરકતમાં આવ્યું છે.