‘મિત્ર દગાખોર નીકળ્યો અને પત્નીએ પણ વિશ્વાસ તોડ્યો’: હત્યારા પતિના શબ્દો
રાજકોટઃ શહેરમાં હત્યાનો દોર સતત ચાલુ જ છે. ત્યારે સ્પીડવેલ પાર્ટી પ્લોટ પાસે વધુ એક હત્યા થઈ છે. અંબિકા ટાઉનશિપમાં બી વિંગમાં મહિલાની હત્યા કરવામાં આવી છે. ત્યારે આ મામલે પોલીસે ઘટનાસ્થળે પહોંચીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
મળતી માહિતી પ્રમાણે, 34 વર્ષીય અંબિકાબેન સિરોડીની હત્યા કરવામાં આવી છે. તેના પતિએ જ મોતને ઘાટ ઉતારી હોવાની પ્રાથમિક માહિતી સામે આવી છે. તેમના પતિએ માથામાં પથ્થરનો બ્લોક મારીને અંબિકાબેનની હત્યા કરી નાંખી છે. પતિ ગુરુપા જારોલીએ પત્નીની ક્રૂર હત્યા કરી છે.
પતિએ હત્યા કર્યા બાદ પોતે જ પોલીસ કંટ્રોલરૂમમાં ફોન કરી હત્યા કરી હોવાનું જણાવ્યું હતું. ત્યારે પત્નીના આડાસંબંધોને કારણે હત્યા કરી હોવાનો વીડિયો પણ જાહેર કર્યો હતો. આરોપીએ વીડિયો બનાવીને સોસાયટીના ગ્રુપમાં પોસ્ટ કર્યો હતો. આરોપી વીડિયોમાં કહે છે કે, ‘મારો મિત્ર દગાખોર નીકળ્યો અને પત્નીએ પણ વિશ્વાસ તોડ્યો’.
આ ઘટનાની જાણ થતાં જ સ્થાનિક પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને સમગ્ર મામલે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. આ ઉપરાંત એસીપી બીજે ચૌધરી સહિતના ઉચ્ચ અધિકારીઓ પણ ઘટનાસ્થળે દોડી ગયા હતા.