રાજકોટના પોલીસ કમિશનર સિવિલ ડ્રેસમાં પહોંચ્યા અટલ સરોવર, સરપ્રાઇઝ વિઝિટ કરી
રાજકોટઃ TRP ગેમ ઝોન અગ્નિકાંડ બાદ રાજકોટ શહેરના તમામ રાઇડ્સવાળા પાર્ક બંધ રાખવામાં આવ્યા હતા. આ ઉપરાંત હાલ તમામ ગેમ ઝોન તો બંધ જ છે. ત્યારબાદ હવે અટલ સરોવરને ખુલ્લુ રાખવાની મંજૂરી મળી છે. ત્યારે શહેર પોલીસ કમિશનર બ્રજેશ કુમાર ઝાએ સિવિલ ડ્રેસમાં સરપ્રાઇઝ વિઝિટ કરી હતી.
તેમણે અટલ સરોવરમાં તપાસ કરી હતી કે, જે પ્રમાણે નિયમ છે તે પ્રમાણે કામગીરી કરવામાં આવી રહી છે કે નહીં. આ ઉપરાંત ત્યાં મુલાકાતીઓને કોઈપણ પ્રકારની અગવડતા પડે છે કે નહીં તેની પણ તપાસ કરી હતી. પાર્કિંગથી માંડીને તમામ પ્રકારની સુવિધાઓ મુલાકાતીઓને મળે છે કે નહીં તે અંગે પણ ચકાસણી કરી હતી. આ સિવાય રાઇડ્સની પણ તપાસ કરી હતી.
TRP ગેમ ઝોન અગ્નિકાંડ બાદ કાયદા વ્યવસ્થાની સ્થિતિને ધ્યાને રાખીને ત્યાં રાઇડ્સ નિયમ મુજબ કેવી રીતે સંચાલિત કરવામાં આવે છે તેની પણ રૂબરૂ તપાસ કરી હતી. હજારોની સંખ્યામાં આવતા મુલાકાતીઓના અનુભવને તેમણે જાતઅનુભવ દ્વારા જાણ્યો હતો.
તેમની સરપ્રાઇઝ વિઝિટ દરમિયાન એક અધિકારીએ તેમને ઓળખી લીધા હતા અને અચાનક જ સિવિલ ડ્રેસમાં આવેલા પોલીસ કમિશનરને જોઈને હાંફળાફાંફળા થઈ ગયા હતા. ત્યારે એક અધિકારીએ પૂછતા તેમણે કહ્યુ હતું કે, સરપ્રાઇઝ વિઝિટ માટે આવ્યો છું અને ત્યારબાદ બધાએ રાહતનો શ્વાર લીધો હતો.
તેમણે જોયું હતું કે, અટલ સરોવરમાં નાગરિકોને કોઈ અગવડતા પડતી નથી. શાંતિપૂર્ણ માહોલમાં બધું રાબેતા મુજબ ચાલી રહ્યું છે. ઉલ્લેખનીય છે કે, રાજકોટ અગ્નિકાંડ બાદ નવા નિયુક્ત પોલીસ કમિશનર બ્રજેશ કુમાર ઝા લોકોની વચ્ચે રહેશે અને તેમને કોઈપણ પ્રકારની અગવડતા પડે તો તાત્કાલિક પોલીસનો સંપર્ક કરરવા જણાવ્યું છે. તેમણે ‘પોલીસ તમારો મિત્ર’ તેવા આશયથી પોલીસનો સંપર્ક કરવા લોકોને અપીલ કરી છે.