રાજકોટ મનપાના તત્કાલિન TPO સાગઠિયા સામે વધુ એક ગુનો, 18 કરોડની અપ્રમાણસર મિલકત મળી

અમદાવાદઃ રાજકોટ મહાનગરપાલિકાના સસ્પેન્ડેડ TPO એમડી સાગઠીયા વિરુદ્ધ વધુ એક ગુનો દાખલ કરવામાં આવ્યો છે. તેમની સામે અપ્રમાણસર મિલકતનો વધુ એક ગુનો દાખલ કર્યો છે. અંદાજે 18 કરોડની અપ્રમાણસર મિલકતને લઈને ગુનો નોંધવામાં આવ્યો છે.
રાજકોટના ટ્વીન સ્ટાર ટાવરમાં આવેલી ઓફિસ સીલ મારી દેવામાં આવી છે. ઓફિસમાં તપાસ કરતા 15 કરોડના 22 કિલો સોનાનો મુદ્દામાલ મળ્યો હતો. આ ઉપરાંત ઓફિસમાંથી 2.5 કિલો ચાંદી મળી આવ્યું હતું. આ સાથે જ 8.50 લાખની ડાયમંડ જ્વેલરી, 3.5 કરોડની રોકડ પણ મળી આવી હતી.
ઓફિસની તપાસ કરતા જુદા જુદા દેશોની ચલણી નોટો મળી આવી હતી. તેની કિંમત અંદાજે 1.82 લાખ રૂપિયા થાય છે. આ ઉપરાંત સોનાના પટ્ટા વાળી બે ઘડિયાળ સહિત 6 કિંમતી ઘડિયાળ મળી આવી હતી. ત્યારે ACBની ટીમે મિલકતોને લઈ વધુ તપાસ હાથ ધરી છે.
ACBએ તપાસ હાથ ધરી હતી
રાજકોટ મહાનગરપાલિકાના તત્કાલિન ટીપીઓ મનસુખ સાગઠીયાની ઓફિસમાં એસીબીએ તપાસ શરૂ કરી હતી. તેમાં કરોડો રૂપિયાની રોકડ રકમ સહિત મોટા પ્રમાણમાં સોનું મળી આવ્યું છે. ત્યારે એલસીબીએ વધુ તપાસ હાથ ધરી છે. એલસીબીએ મહાનગરપાલિકાના તત્કાલિન ટીપીઓની 150 ફૂટ રિંગરોડ પર આવેલી ઓફિસનું સીલ ખોલતા રૂપિયા 5 કરોડની રોકડ રકમ મળી આવી હતી. આ ઉપરાંત તેમની ઓફિસમાંથી 1 કરોડ રૂપિયાથી વધુની કિંમતનું સોનું પણ મળી આવ્યું હતું. એસીબી તપાસ દરમિયાન વધુ ખુલાસા થાય તેવી પૂરેપૂરી શક્યતા છે.