November 5, 2024

રાજકોટ મહાનગરપાલિકાની બેદરકારીએ લીધો વધુ એક વ્યક્તિનો ભોગ

રાજકોટઃ શહેરમાં મહાનગરપાલિકાની બેદરકારીએ વધુ એક વ્યક્તિનો ભોગ લીધો છે. ભૂગર્ભ ગટરના ખુલ્લા ઢાંકણામાં પડી જતાં રાહદારીનું મોત નીપજ્યું છે. 3 સપ્ટેમ્બરના દિવસે અકસ્માત થયો હતો. ત્યારે સારવાર દરમિયાન આજે ઇજાગ્રસ્ત વ્યક્તિનું મોત નીપજ્યું છે.

ગાંધીગ્રામ વિસ્તારના હીરાના બંગલા નજીક બાઈક લઈને પસાર થઈ રહ્યા હતા. ત્યારે ગટરનું ઢાંકણું ખુલ્લું હોવાથી બાઈક સાથે ગટરમાં પડ્યા હતા અને ઇજાગ્રસ્ત થતા તેમને તાત્કાલિક સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. પ્રાથમિક માહિતી પ્રમાણે, આ વ્યક્તિ પડધરી તાલુકાના વચલી ઘોડી ગામના રહેવાસી વનરાજસિંહ જાડેજા હોવાનું સામે આવ્યું છે.

ત્યારે આ મામલે મૃતકના ભાઈ ગિરિરાજસિંહ જાડેજાએ જણાવ્યુ હતુ કે, ‘રાજકોટમાં મનપાની બેદરકારીથી વધુ એકનું મોત નીપજ્યું છે. 3 સપ્ટેમ્બરે ભૂર્ગભ ગટરના ખુલ્લા ઢાંકણાંના કારણે અકસ્માત થયો હતો. અકસ્માતમાં બાઈક સવારને ગંભીર ઈજાઓ પહોંચી હતી અને સારવારમાં ખસેડાયા હતા. ત્યારે આજે ખાનગી હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નિપજ્યું છે.’

રાજકોટ મનપાના મેયર નયનાબેન પેઢડિયાએ જણાવ્યું હતું કે, ‘બનાવ સ્થળ ખાતે ગટરના ઢાંકણાની ફ્રેમ તૂટી ગઈ હતી. ગંભીર બનાવમાં ઈજાગ્રસ્ત વ્યક્તિનું 10 દિવસ બાદ મોત નિપજ્યું હતું. વોર્ડ નંબર 1ના ઓફિસરને ડ્રેનેજની ફરીયાદ ઉકેલવા સૂચના આપવામાં આવી છે. ત્રણેય ઝોનના સીટી ઇજનેરને બોલાવવામાં આવશે. શહેરમાં તાત્કાલિક અસરથી ડ્રેનેજને લગતી ફરીયાદો ઉકેલવા સૂચના આપવામાં આવશે. શહેરમાં ગટરના ઢાંકણા જેટલી જગ્યાએ તૂટ્યા હશે ત્યાં નવા ઢાંકણા નાંખવામાં આવશે. ફ્રેમ જેટલી તૂટી હશે તે તમામ જગ્યાએ નવી ફ્રેમ નાખવામાં આવશે.’