રાજકોટ દૂધ મંડળીનો સરાહનીય નિર્ણય, પશુપાલકોને 22 કરોડ જન્માષ્ટમી પહેલાં ચૂકવશે
રાજકોટઃ ડેરીએ દૂધ ભાવફેરની રકમ ડાયરેક્ટ દૂધ ઉત્પાદકોના બેંક ખાતામાં જમા કરવાનો નિર્ણય કર્યો છે. રાજકોટ દૂધ સંઘ દ્વારા સને 2023-24ના નફામાંથી પ્રતિ કિલો ફેટે 25 રૂપિયા લેખે કુલ 21.97 કરોડ રૂપિયા ભાવફેર ચૂકવવાની જાહેરાત કરવામાં આવી છે. સૌરાષ્ટ્રમાં દૂધ ઉત્પાદકોના બેંક ખાતામાં ભાવફેરની રકમ ડાયરેક્ટ જમા કરવાની પહેલ દૂધ સંઘ દ્વારા કરવામાં આવી છે. રાજકોટ દૂધ સંઘ સાથે જોડાયેલી 202 દૂધ મંડળીઓના 18,054 દૂધ ઉત્પાદકોના બેંક ખાતામાં 5.50 કરોડ રૂપિયા ડાયરેક્ટ જમા કરવાનું આયોજન કરવામાં આવ્યું છે.
રાજકોટ દૂધ સંઘ સાથે કુલ 885 દૂધ મંડળીઓના 66,333 દૂધ ઉત્પાદકોના 21.97 કરોડ રૂપિયા ભાવફેર જન્માષ્ટમીના તહેવાર પહેલાં ચુકવવાનો નિર્ણય ગોરધનભાઈ ધામેલિયા અધ્યક્ષ દ્વારા જાહેર કરવામાં આવ્યો છે. રાજકોટ દૂધ સંઘના અધ્યક્ષ ગોરધનભાઈ ધામેલિયા અને નિયામક મંડળના સભ્યો દ્વારા સંઘ સાથે જોડાયેલા હજારો દૂધ ઉત્પાદકો આર્થિક અને સામાજીક હિતોને ધ્યાનમાં રાખીને નિર્ણયો લેવામાં આવે છે.
આ અંતર્ગત રાજકોટ દૂધ સંઘના ડિરેક્ટરો તથા સંઘના જુદા જુદા વિભાગના વિભાગીય વડાની ઉપસ્થિતિમાં સંઘ દ્વારા વર્ષ 2023-24ના નફામાંથી ભાવફેર 5.50 કરોડની રકમ 18,054 દૂધ ઉત્પાદકોના બેંક ખાતામાં સંઘના ચેરમેને ઓનલાઈન ડાયરેક્ટ જમા કરવામાં આવી હતી. એમ રાજકોટ ડેરીની યાદીમાં જણાવ્યું છે.