પરશોત્તમ રૂપાલાની માફી બાદ પણ ક્ષત્રિય સમાજ અડગ, ટિકિટ પાછી ખેંચવાની માગ
રાજકોટ, મોરબીઃ કેન્દ્રીય મંત્રી અને હાલના રાજકોટ લોકસભા બેઠકના ઉમેદવાર પરશોત્તમ રૂપાલાના ક્ષત્રિય સમાજ અંગે કરેલા વિવાદાસ્પદ નિવેદન બાદ તેમની ટિકિટ પાછી ખેંચવાની માગ થઈ રહી છે. આવતીકાલે મોરબી રાજપૂત કરણી સેના જિલ્લા કલેક્ટરને આવેદન પત્ર આપશે. પરશોત્તમ રૂપાલા ‘હાય… હાય…’ના નારા સાથે કરણી સેનાના કાર્યકરો એકઠાં થયા છે.
ગોંડલ ક્ષત્રિય સમાજની બેઠક બાદ કરણી સેનાના મહિલા મોરચાના અધ્યક્ષનું નિવેદન આવ્યું સામે છે. કરણી સેનાના પદ્મિનીબા વાળાએ નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું છે કે, ‘રૂપાલાભાઈને માફી તો આપવાની જ નથી. રુપાલાભાઈની ટિકિટ રદ્દ કરવામાં આવે. ગોંડલ બેઠકમાં જયરાજસિંહ જાડેજાએ આપેલા નિવેદન કોઈપણ રાજપૂત ક્ષત્રિય સમાજ સ્વિકારશે નહીં. આ મામલે અમારો વિરોધ શરુ રહેશે.’
આ પણ વાંચોઃ ગેનીબેન ઠાકોરના વિધાનસભા અધ્યક્ષ પર નામ લીધા વગર પ્રહાર
આ ઉપરાંત પરશોત્તમ રુપાલાના વિવાદ મામલે કરણી સેનાના રાજ્ય અધ્યક્ષનો નિવેદનનો વીડિયો વાયરલ થયો છે. કરણી સેનાના ગુજરાત અધ્યક્ષ વિરભદ્રસિંહ જાડેજાએ વીડિયો જાહેર કર્યો છે. ગોંડલ બેઠક બાદ કરણી સેનાના અધ્યક્ષ વિરભદ્રસિંહ જાડેજાએ કહ્યુ છે કે, ‘ગોંડલ ખાતે જે બેઠક મળી તેમાં માત્ર રાજકીય નેતાઓ હતા અને તે નેતાઓએ સમાધાન કર્યું છે. કરણી સેનાની લડાઈ ચાલુ જ છે. અમદાવાદ ખાતે જે 90 સંસ્થાના આગેવાનોની બેઠક મળી હતી, તેમાં જે નિર્ણય થયો તે આંદોલન શરૂ રહેશે. અમારી માગ છે કે, જ્યાં સુધી પરશોત્તમ રૂપાલાની ટિકિટ રદ નહીં થાય ત્યાં સુધી સમાધાન નહીં થાય.’
બદનક્ષીની ફરિયાદ નોંધાઈ
ત્યારે પરશોત્તમ રૂપાલાની મુશ્કેલીમાં વધારો થયો છે. ક્ષત્રિય સમાજ વિશે વાંધાજનક ટિપ્પણી બદલ રાજકોટ કોર્ટમાં તેમની સામે બદનક્ષીની ફરિયાદ દાખલ કરવામાં આવી છે. લાઠીના ભાયાત આદિત્યસિંહ વીરેન્દ્રસિંહ ગોહિલે પરશોત્તમ રૂપાલા સામે ફરિયાદ નોંધાવી છે. IPCની કલમ 499-500 મુજબ કોર્ટમાં ફરિયાદ નોંધાવી છે. વકીલ સંજય પંડ્યા અને જયદેવસિંહ ચૌહાણ મારફતે ફરિયાદ નોંધાવી છે.
‘ક્ષત્રિય સમાજ સમાધાનના મૂડમાં નથી’
આ મામલે આદિત્યસિંહ ગોહિલે ન્યૂઝ કેપિટલ સાથે એક્સક્લૂઝિવ વાતચીત કરી હતી. તેમણે જણાવ્યુ હતુ કે, ‘કોર્ટે મારી ફરિયાદ સ્વીકારી છે અને નિવેદન નોંધાવ્યું છે. આગામી દિવસોમાં આંદોલન જલદ બનાવીશું. શિક્ષિત ઉમેદવારે જાણી જોઈને આ પ્રકારનું નિવેદન આપ્યું છે. આ વખતે ક્ષત્રિય સમાજ સમાધાનના મૂડમાં નથી. આવનારા દિવસોમાં પરશોત્તમ રૂપાલાને પરિણામ ભોગવવું પડશે.’
રૂપાલાના નિવાસસ્થાને ચુસ્ત પોલીસ બંદોબસ્ત
રાજકોટમાં પરશોત્તમ રૂપાલા વિરુદ્ધ ચાલી રહેલા આંદોલનને પગલે પોલીસ એક્શનમાં આવી ગઈ છે. તેમના નિવાસ સ્થાને પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. આઈબી ઇનપુટને આધારે તકેદારીના ભાગરૂપે બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. પરશોત્તમ રૂપાલાના કાર્યક્રમમાં પણ પોલીસ અધિકારીઓનું બંદોબસ્ત રહેશે.