January 23, 2025

ક્ષત્રિય સમાજ અંગે વાંધાજનક ટિપ્પણીનો મામલો, પરશોત્તમ રૂપાલા સામે બદનક્ષીની ફરિયાદ

Rajkot lathi bhayat file Complaint for defamation against parshottam rupala

પરશોત્તમ રૂપાલા - ફાઇલ તસવીર

રાજકોટઃ પરશોત્તમ રૂપાલના વિવાદાસ્પદ નિવેદનને કારણે ક્ષત્રિય સમાજમાં રોષ ભભૂકી ઉઠ્યો છે. ત્યારે છેલ્લા ઘણાં દિવસથી તેમના વિરોધમાં ક્ષત્રિય સમાજ મેદાને ઉતર્યો છે. આ ઉપરાંત રાજકોટ લોકસભા બેઠક પરથી તેમની ઉમેદવારી પરત ખેંચવવા માટે પણ ભાજપ પર દબાણ કરવાનું શરૂ કરી દીધું છે.

રૂપાલા સામે બદનક્ષીની ફરિયાદ નોંધાવી
ત્યારે પરશોત્તમ રૂપાલાની મુશ્કેલીમાં વધારો થયો છે. ક્ષત્રિય સમાજ વિશે વાંધાજનક ટિપ્પણી બદલ રાજકોટ કોર્ટમાં તેમની સામે બદનક્ષીની ફરિયાદ દાખલ કરવામાં આવી છે. લાઠીના ભાયાત આદિત્યસિંહ વીરેન્દ્રસિંહ ગોહિલે પરશોત્તમ રૂપાલા સામે ફરિયાદ નોંધાવી છે. IPCની કલમ 499-500 મુજબ કોર્ટમાં ફરિયાદ નોંધાવી છે. વકીલ સંજય પંડ્યા અને જયદેવસિંહ ચૌહાણ મારફતે ફરિયાદ નોંધાવી છે.

આ પણ વાંચોઃ નરેન્દ્ર મોદી-બિલ ગેટ્સ વચ્ચે સંવાદ, PMએ કહ્યું – નવી પેઢીને તૈયાર કરવાની ઇચ્છા

‘ક્ષત્રિય સમાજ સમાધાનના મૂડમાં નથી’
આ મામલે આદિત્યસિંહ ગોહિલે ન્યૂઝ કેપિટલ સાથે એક્સક્લૂઝિવ વાતચીત કરી હતી. તેમણે જણાવ્યુ હતુ કે, ‘કોર્ટે મારી ફરિયાદ સ્વીકારી છે અને નિવેદન નોંધાવ્યું છે. આગામી દિવસોમાં આંદોલન જલદ બનાવીશું. શિક્ષિત ઉમેદવારે જાણી જોઈને આ પ્રકારનું નિવેદન આપ્યું છે. આ વખતે ક્ષત્રિય સમાજ સમાધાનના મૂડમાં નથી. આવનારા દિવસોમાં પરશોત્તમ રૂપાલાને પરિણામ ભોગવવું પડશે.’

નિવાસસ્થાને ચુસ્ત પોલીસ બંદોબસ્ત
રાજકોટમાં પરશોત્તમ રૂપાલા વિરુદ્ધ ચાલી રહેલા આંદોલનને પગલે પોલીસ એક્શનમાં આવી ગઈ છે. તેમના નિવાસ સ્થાને પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. આઈબી ઇનપુટને આધારે તકેદારીના ભાગરૂપે બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. પરશોત્તમ રૂપાલાના કાર્યક્રમમાં પણ પોલીસ અધિકારીઓનું બંદોબસ્ત રહેશે.