September 19, 2024

જેતપુરના રસ્તાઓ પર રખડતા ઢોરનો ત્રાસ, ટ્રાફિક-અકસ્માતનો ભય

જેતપુરઃ રાજ્યભરમાં રખડતા પશુઓ અને ઢોરનો ત્રાસ જોવા મળે છે. રોડ ઉપર ભટકવાના કારણે ટ્રાફિકની અડચણ થવા સાથે અનેક વખત અકસ્માત પણ થયેલો છે. આવી જ પરિસ્થિતિ રાજકોટના જેતપુરમાં જોવા મળી અને અહીં પણ તંત્ર આ સમસ્યા સામે ઉદાસીન જોવા મળી છે.

રાજ્યનું કોઈપણ શહેર કે ગામ હોય અંદર પ્રવેશો એટલે તરત જ રસ્તા ઉપર ઢોર અને પશુ રખડતા જોવા એ સામાન્ય બાબત છે. રાજકોટ જિલ્લાના જેતપુરમાં પણ આવી જ હાલત છે. જેતપુરમાં પ્રવેશતા જ અને મુખ્ય માર્ગો ઉપર ઢોર બેસેલા અને રખડતા જોવા મળે છે. અહીં ખાસ કરીને ગાયોનો ત્રાસ અને રોડ ઉપર રખડતા ઢોર જોવા તે સામાન્ય બાબત છે. ત્યારે શહેરનો ગમે તે રોડ અને રસ્તા અને વિસ્તારમાં ઢોરનો ત્રાસ અને ટ્રાફિકને અડચણરૂપ જોવા મળશે. અહીં તો રખડતા ઢોર માટે રોડ અને રસ્તા તબેલા હોય તેવી સ્થિતિ જોવા મળે છે અને ત્યારે અનેક વખત અહીં વાહનચાલકો અકસ્માતનો ભોગ પણ બનેલા છે.

અનેક વખત અકસ્માત અને દુર્ઘટના બાદ પણ અહીં રોડ ઉપર ઢોરનું સામ્રાજ્ય વધતું જાય છે અને તંત્ર કોઈ ધ્યાન દેતું નથી તેવા લોકોએ આક્ષેપ કર્યા હતા. જેતપુરમાં તીનબત્તી ચોકમાં ધોરાજી રોડ નવાગઢ સ્ટેન્ડ ચોક માતો કાયદેસર ઢોરનો અડીંગો જોવા મળે છે. નગરપાલિકા દ્વારા કોઈ જ કાર્યવાહી નથી થતી હોવાને કારણે લોકો પરેશાનીનો સામનો કરી રહ્યા છે. હાઇકોર્ટ દ્વારા પણ રખડતા ઢોરને લઈ સરકારને ફટકાર આપી છે, છતાં પણ તંત્ર દ્વારા કોઈ જ કાર્યવાહી થઈ ન હોવાથી સ્થાનિકો પરેશાની ભોગવી રહ્યા છે

જેતપુર નગરપાલિકાના ચીફ ઓફિસર અશ્વિન ગઢવીએ જણાવ્યુ હતુ કે, ‘જેતપુર શહેરની પણ રખડતા ઢોરની સમસ્યાને લઈ નગરપાલિકા દ્વારા અગાઉ કામગીરી કરવામાં આવી છે, પરંતુ હાલ ચોમાસાને લઈ ઢોરમાલિકો રસ્તા ઉપર મૂકી દે છે. ત્યારે નગરપાલિકાની ટીમ દ્વારા શહેરમાંથી રખડતા ઢોરને દૂર કરવા ટીમ લગાડવામાં આવશે અને ઢોરમાલિકોને નોટિસ પણ આપીને ઢોર પકડવા કામગીરી કરવામાં આવશે. નગરપાલિકા તરફથી મામલતદાર પાસે પણ ઢોર રાખવા માટે જમીનની પણ માગણી કરવામાં આવી છે. હાલ જ્યાં નગરપાલિકાની માલિકીની જગ્યાએ ઢોરોની સંખ્યા વધી ગઈ હોવાથી અન્ય વૈકલ્પિક જગ્યા શોધી અને ત્યાં રખડતા ઢોરને પકડી રાખવામાં આવશે.’

હાઇકોર્ટ દ્વારા પણ રખડતા ઢોરને કારણે પ્રસાશનને ફટકાર આપી છે, છતાં પણ રખડતા ઢોરનો રોડ ઉપર અડિંગો કેટલા અંશે વ્યાજબી કહેવાય તે એક પ્રશ્ન છે સાથે જ પ્રસાશન આવા રખડતા ઢોર પકડવા કડક કામગીરી કરે તેવી લોકો માગ કરી રહ્યા છે.