December 24, 2024

ખેડૂતોને પડ્યા પર પાટું, શિયાળું પાક લેવાના સમયે જ ખાતરની અછત!

ધ્રુવ મારુ, જેતપુરઃ આ વખતે ચોમાસામાં ભારે વરસાદને કારણે ખેતીને વ્યાપક નુકસાન થયું હતું. આ સાથે જ વિવિધ પાક ધોવાઈ જતાં ખેડૂતોને આર્થિક રીતે નુકસાની વેઠવાનો વારો આવ્યો હતો. ગુજરાતમાં જગતના તાતની મુશ્કેલીઓનો જાણે પાર નથી. એક બાજુ આર્થિક રીતે તબાહ થયેલા ખેડૂતો નાણાંભીડનો અનુભવ કરી રહ્યાં છે, ત્યારે બીજી બાજુ રવિપાકની વાવણી અગાઉ જ ડીએપી ખાતરની અછત વર્તાઇ રહી છે. પરિણામે હવે ખેડૂતો ખાતર માટે ફાંફાં મારી રહ્યા છે.

છેલ્લાં કેટલાંક દિવસોથી ડીએપી ખાતરની અછત વર્તાઈ રહી છે. એક તો ચોમાસું પાક નિષ્ફળ રહ્યો છે, ત્યારે હવે સારો શિયાળું પાક થાય તેવી ખેડૂતો આશા રાખી રહ્યાં છે. ભારે વરસાદને લીધે આ વખતે ખેડૂતોને ભારે નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. ખેડૂતોના મોઢામાંથી જાણે કોળિયો છીનવાઈ ગયો છે. દિવાળી બાદ ખેડૂતો રવિપાકના વાવેતરની તૈયારીઓ કરી રહ્યા છે. ખાસ કરીને નાના ખેડૂતો નાણાંભીડ અનુભવી રહ્યાં છે. ખાતર, જંતુનાશક દવા ખરીદવાના નાણાં નથી તેમાં પણ ડીએપી ખાતરની અછત સર્જાતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે.

શિયાળુ પાકનું વાવેતર કરતા પહેલાં ખેતરમાં DAP ખાતર નાંખવામાં આવે છે. જસદણ પંથકમાં ઘણા સમયથી ખાતરની અછત હોવાથી હવે ખેડૂતોને શિયાળુ પાકનું વાવેતર કેવી રીતે કરવું તે એક પ્રશ્ન છે. પહેલા વરસાદે ચોમાસું પાક બગાડ્યો અને હવે ખેડૂતોને શિયાળું પાક ઉપર આશા હતી, તેવા સમયે ખાતરની અછત સર્જાતા પડ્યા પર પાટું વાગ્યા જેવો ઘાટ ઘડાયો છે. ખેડૂતો સરકાર પાસેથી વહેલી તકે ખાતર મળે તેવી માગ કરી રહ્યા છે.

શિયાળું પાકના વાવેતરનો સમય છે. ત્યારે ખેડૂતો માટે ખાતર નથી રહ્યું. જેથી ખેડૂતો ખાતર માટે મંડળીએ ધક્કા ખાઈ રહ્યા છે. ત્યારે APMCના ચેરમેન જણાવ્યું હતું કે, ખાતરની આવક ધીમે ધીમે શરૂ થયો હતો. આ સાથે ટૂંક સમયમાં જેમ જેમ ખાતરની જરૂરિયાત હશે તેમ પાયાના ખાતર ધીમે ધીમે મળતા રહેશે. સપ્લાય ધીમે ધીમે શરૂ થઈ જશે તેવા અમારા તરફથી પણ પ્રયાસ શરૂ છે.