October 21, 2024

રાજકોટમાં ધોધમાર વરસાદ, અનેક વિસ્તાર પાણીમાં ગરકાવ

રાજકોટઃ શહેર સહિત ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. ભારે વરસાદને કારણે શહેરના 150 ફૂટ રિંગ રોડ, યાજ્ઞિક રોડ વિસ્તારમાં પાણી ભરાયાં છે. મવડી વિસ્તાર, રૈયા રોડ વિસ્તાર, રામનાથપરા વિસ્તાર પણ પાણીમાં ગરકાવ થઈ ગયા છે.

ભારે વરસાદને કારણે શહેરના મોટા ભાગના માર્ગો પાણીમાં ગરકાવ થયા છે. બપોર સુધી ભારે બફારો રહ્યો અને બપોરે 1 વાગ્યા બાદ ફરી વરસાદ વરસ્યો હતો. ઉલ્લેખનીય છે કે, વરસાદને કારણે સમગ્ર જિલ્લામાં ઠંડક પ્રસરી ગઈ છે અને શહેરીજનોને ભારે ઉકળાટમાંથી રાહત પણ મળી છે. બીજી તરફ, વરસાદે ખેડૂતોની ચિંતામાં વધારો કર્યો છે. કારણ કે વરસાદને કારણે પાકને નુકસાન થાય તેવી શક્યતા છે.

આ પણ વાંચોઃ સૌરાષ્ટ્રમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ; રાજકોટ, જૂનાગઢ સહિતના જિલ્લામાં ધોધમાર વરસાદ

સમગ્ર સૌરાષ્ટ્રમાં વરસાદી માહોલ
છેલ્લા બે દિવસથી અરબ સાગર પર વરસાદી સિસ્ટમ એક્ટિવ થતા ગુજરાતમાં વરસાદી માહોલ છવાયો છે. ખાસ કરીને, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં મેઘરાજા ધડબડાટી બોલાવી રહ્યા છે. સૌરાષ્ટ્રના રાજકોટ, જૂનાગઢ, અમરેલી, ગીર સોમનાથ અને દ્વારકા જિલ્લામાં ધોધમાર વરસાદ થતાં ખેડૂતોની ઊંઘ હરામ થઈ ગઈ છે. ગીર સોમનાથ જિલ્લાના વેરાવળના માલ ભેરાળા, નાવદ્રા, કોડિદ્રા અને મંડોર સહિતના ગામોમાં ભારે વરસાદ પડતાં તારાજી સર્જાઈ છે.