November 8, 2024

ગુજરાતની સૌપ્રથમ 11 માળની MCH હોસ્પિટલની તમામ માહિતી

Rajkot gujarat first 11 floor mch hospital all details

હોસ્પિટલ અનેક સુવિધાઓ સજ્જ છે

ઋષિ દવે, રાજકોટઃ ગુજરાતની સૌપ્રથમ 11 માળની 800 બેડ ધરાવતી અદ્યતન મેટરનિટી એન્ડ ચાઈલ્ડ હેલ્થ હોસ્પિટલ રાજકોટમાં તૈયાર થઈ છે. સગર્ભા મહિલાઓ માટે આશીર્વાદરૂપ આ હોસ્પિટલનું દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી લોકાર્પણ કરવાના છે. ત્યારે ન્યૂઝ કેપિટલની ટિમે હોસ્પિટલની મુલાકાત લીધી હતી. તો વાંચો તમામ માહિતી…

આગામી 25 ફેબ્રુઆરીના રોજ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાજકોટની મુલાકાતે છે. તેમના હસ્તે વિવિધ પ્રકલ્પોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવશે. ત્યારે રાજકોટના સિવિલ હોસ્પિટલ ચોક પાસે રૂપિયા 121 કરોડના ખર્ચે બનેલી ગુજરાતની સૌથી મોટી 11 માળની MCH એટલે કે મેટરનિટી એન્ડ ચાઈલ્ડ હેલ્થ બિલ્ડિંગનું લોકાર્પણ કરવામાં આવશે. આ બિલ્ડિંગમાં 800 બેડ, 8 ઓપરેશન થિયેટર, દર્દીના સગા માટે કેન્ટીનની સહિતની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. તેમજ નવજાત શિશુની સારવાર માટે NICU ત્રણ લેવલમાં ઉભું કરવામાં આવ્યું છે. નવી તૈયાર થયેલી જનાના હોસ્પિટલથી સૌરાષ્ટ્ર-કચ્છની જનતાની આરોગ્યલક્ષી સુવિધાઓમાં વધારો થશે.

બિલ્ડિંગમાં શું-શું સુવિધા ઉપલબ્ધ છે?

  • નવજાત શિશુ ટ્રાએજ રૂમ
  • ઇમરજન્સી સારવાર પ્રસૂતિ અને સ્ત્રી રોગ
  • પીડિયાટ્રિક ટ્રાએજ રૂમ
  • માઇનોર ઓપરેશન થિયેટર
  • સિઝેરિયન ઓપરેશન થિયેટર
  • નવજાત શિશુ સઘન સારવાર વિભાગ
  • અદ્યતન લેબોરેટરી
  • સોનોગ્રાફી રૂમ
  • એન્ડોસ્કોપી ઓપરેશન થિયેટર
  • પીડિયાટ્રિક ઓપરેશન થિયેટર
  • સ્ત્રીરોગ ઓપરેશન થિયેટર
  • કુટુંબ નિયોજન ઓપરેશન થિયેટર
  • હાઇડીપેન્ડન્સી યુનિટ
  • હિમોફેલિયા ડે કેર સેન્ટર
  • થેલેસેમિયા ડે કેર સેન્ટર
  • ડિસ્ટ્રિક્ટ અર્લી ઈન્ટરવેશન સેન્ટર
  • પીડિયાટ્રિક સર્જીકલ અને ન્યુરોસર્જીકલ વોર્ડ

ગુજરાત સરકારના આરોગ્ય વિભાગના પ્રયાસોથી રાજકોટમાં કોર્પોરેટ સ્ટાઈલમાં ગ્રાઉન્ડ પ્લસ 11 માળની ગુજરાતની સૌથી ઊંચી MCH હોસ્પિટલનું 121 કરોડથી વધુના ખર્ચે નિર્માણ કરવામાં આવ્યું છે. સૌરાષ્ટ્ર-કચ્છના મેટર્નલ અને બાળ દર્દીઓ માટેની આ હોસ્પિટલમાં 500 બેડ ઉપરાંત વધારાના 300 બેડની સુવિધા સાથે કુલ 800 બેડની સુવિધા, સૌરાષ્ટ્રની પ્રથમ મિલ્ક બેન્ક, ટ્રાઈએઝ, થ્રી લેયર NICU, DEIC, NRC, પ્લેગ્રાઉન્ડ સહિતની સુવિધા કેમ્પસમાં ઉપલબ્ધ કરાવાઈ છે.

રાજકોટની સિવિલ હોસ્પિટલમાં દર વર્ષે 7 હજારથી વધુ ડિલિવરી કરવામાં આવી રહી છે. જેમાં નોર્મલ ડિલિવરી માટે આ હોસ્પિટલ વિવિધ ટેક્નિક સાથેનું રોલ મોડેલ બની રહેશે. અહીં મોડ્યુલર 8 ઓપરેશન થિયેટર, સ્ત્રી રોગની સારવાર, સુપર સ્પેશિયાલિટી ડોક્ટર્સની ટીમ સાથે ઝીરો રેફરલ પોલિસી અપનાવાશે. PIUની કામગીરી પૂર્ણ થવામાં છે. આ સાથે અલગથી વીજ લાઈન, પાવર બેકઅપ માટે જનરેટર, ઓક્સિજન લાઈન અને દર્દીના સગા માટે કેન્ટીનની વ્યવસ્થા વગેરે સવલતો પણ ઉભી કરવામાં આવી છે.

હોસ્પિટલમાં પીડિયાટ્રિક વિભાગમાં નવજાત શિશુની સારવાર માટે NICU ત્રણ લેવલમાં ઉભું કરવામાં આવ્યું છે. નવજાત શિશુ અને માતાની સારવાર માટે એક જગ્યાએ અલાયદો વોર્ડ, બાળકો માટે વેન્ટિલેટર સાથે 25 બેડનું ICU, મોટી ઉંમરના બાળકો માટે 44 બેડનું હાઈ ડિપેન્ડન્સી યુનિટ, પોર્ટેબલ સોનોગ્રાફી, ઇકો કાર્ડિયોગ્રાફી મશીન સુવિધાઓ, ભારત સરકારની ઓપરેશનલ ગાઈડલાઈન મુજબનું ગુજરાતનું પ્રથમ શારીરિક અને માનસિક રીતે અસ્વસ્થ બાળકોની સારવાર માટેનું DEI સેન્ટર, કુપોષિત બાળકોના વજન વધારવા માટેનું 25 બેડનું NR સેન્ટર, હિમોફેલિયા અને થેલેસેમિયાગ્રસ્ત બાળકોને લોહી ચડાવવા માટેનો અલાયદો વિભાગ ઉપરાંત પીડિયાટ્રિક ન્યુરોસર્જિકલ અને સર્જીકલ વિભાગ, બાળકો રમત રમી શકે તે માટે પ્લે એરિયા, તેમજ NICU ટ્રેનિંગ માટે 100 બેઠકનું ટ્રેનિંગ સેન્ટર ઉપલબ્ધ કરવામાં આવ્યું છે.

હોસ્પિટલમાં મેડિકલ કાઉન્સિલની ગાઈડલાઈન મુજબ સૌરાષ્ટ્ર -કચ્છના દર્દીઓની સંખ્યાને પહોંચી વળવા સાથે ઉત્તમ સારવાર મળી રહે તે માટે 370 બેડ સાથેનો ગાયનેક વિભાગ ડિઝાઇન કર્યો છે. ગ્રાઉન્ડ ફ્લોર પર દર્દીનું રજિસ્ટ્રેશન, વેઇટિંગ કમ નોલેજ શેરિંગ, પ્રસૂતિ અને સ્ત્રી રોગ ઈમરજન્સી સારવાર અર્થે 6 બેડનો ટ્રાએજ એરિયા, મમતા ક્લિનિક ઉપરાંત સોનોગ્રાફી, બ્લડ ટેસ્ટ સહિતની સુવિધા એક જ ફ્લોર પર ઉભી કરવામાં આવી છે. આ સાથે અન્ય ફ્લોર પર 8 ઓપરેશન થિયેટર બ્લોક, 18 બેડનો પ્રસૂતિ રૂમ, રિસ્કી ડિલિવરી માટે ક્વોલિફાઈડ નર્સીઝ દ્વારા ચાર બેડનો મીડ વાઈફ લેડ કેર યુનિટ પણ તૈયાર કરવામાં આવ્યું છે. જેમાં માતા અને બાળકોને એક છત હેઠળ તમામ પ્રકારની સારવાર મળી રહેશે.

અહી ન્યૂ બોર્ન કોર્નર કે, જ્યાં નવજાત બાળકની સારવાર, પ્રથમ એક હજાર દિવસ સર્ટિફિકેશન મુજબ અલગથી લેબર રૂમ, મમતા ક્લિનિક OPD સહિત ઓલ ઈન વન સ્ટોપ સ્ટેશન, ગાયનેક OPD કે જેમાં કેન્સર ક્લિનિક, મેનોપોઝલ ક્લિનિક, કુટુંબ નિયોજન OPD જેવા વિભાગો અલાયદા ઉભા કરવામાં આવ્યા છે. દર્દીઓની સુવિધા માટે પ્રસૂતિ પહેલાં અને પછીની સારવાર માટેની ખાસ વ્યવસ્થા કરી છે. સ્ત્રી રોગ વોર્ડ વિભાગ ડીઝાઇન NMC ગાઈડલાઈન, 1000 ડેઝ અને મિડવાઈફ કન્સેપ્ટને ધ્યાને લઈ કરવામાં આવ્યા હોવાથી આ હોસ્પિટલ ખરા અર્થમાં જરૂરિયાતમંદ મહિલા અને બાળ દર્દીઓનું સ્નેહસભર સારવારનું કેન્દ્ર બની રહેશે.

આ બિલ્ડીંગ મુખ્યત્વે પીડિયાટ્રીક વિભાગ અને ગાયનેક વિભાગ સહિત લેબોરેટરી અને રેડિયોલોજીની અદ્યતન ટેકનોલોજીથી સજ્જ છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા જનાના હોસ્પિટલના લોકાર્પણના બીજે દિવસથી જ લોકોને સંપૂર્ણ લાભ મળતો થઈ જશે અને લોકોની સુખાકારીમાં સાચા અર્થમાં સરકાર સેવા આપશે.