July 7, 2024

કેવી રીતે થાય છે DNA મેચિંગ ટેસ્ટ? જાણો 48 કલાકની આખી પ્રોસેસ

Rajkot Game Zone Tragedy: રાજકોટમાં થયેલા ગેમઝોન અગ્નિકાંડમાં હાલ તમામ મૃતદેહોના DNA મેચ કરવાની પ્રકિયા ચાલી રહી છે. આ અગ્નિકાંડમાં મૃતદેહ એવી રીતે બળી ગયા છે કે તેમાંથી લોહી મેળવી શકાય તેમ નથી. આવી પરિસ્થિતિમાં હાડકાંની મદદથી FSLમાં DNA મેચ કરવાની કામગીરી કરવામાં આવી રહી છે.

આ DNA મેચ કરવા માટે આઠ તબક્કામાંથી પસાર થવું પડે છે. હાડકામાં આવેલા કેલ્સિયમના કણોથી DNA મેચ કરવાની પ્રકિયા કરવામાં આવતી હોય છે. ત્યારે આ પ્રકિયાને આઠ ભાગમાં વહેંચવામાં આવે છે. આઠેય તબક્કાનો કુલ સમયગાળો 48 કલાક થાય છે. ત્યારે આવી પરિસ્થિતિમાં રાજકોટમાં બનેલા અગ્નિકાંડમાં પરિવારજનોને મૃતદેહ આપવામાં મોડું થાય તે સ્વાભાવિક છે.

આ પણ વાંચોઃ અત્યાર સુધીમાં 9નાં DNA મેચ, મૃતદેહ સોંપવાની કામગીરી ચાલુ

બીજી તરફ, FSLની ટીમને એ પણ ધ્યાન રાખવાનું હોય છે કે, અન્ય કોઈ વ્યક્તિનો મૃતદેહ અન્ય પરિવારને ન મળે. આવી પરિસ્થિતિમાં ગઈકાલે સવારે 5 વાગ્યાથી DNA મેચ કરવાની પ્રકિયા ચાલુ કરી દેવામાં આવી છે. જેમાં અત્યાર સુધીમાં કુલ 9 લોકોનાં DNA મેચ થઈ ગયા છે. જ્યારે અન્ય લોકોના DNA મેચ કરવાની કામગીરી ચાલુ છે. આવો સમજીએ DNA મેચ કરવાની આખી પ્રોસેસ…

કયા કયા તબક્કામાં થાય છે DNA ટેસ્ટ?

  • સૌપ્રથમ મૃતદેહમાંથી હાડકાંના નમૂના લેવામાં આવતા હોય છે. ત્યારબાદ તેનાં DNA મેચ કરવાની પ્રકિયા ચાલુ થાય છે.
  • તબક્કો – 1
    કેસના પરીક્ષણ માટે નમૂનાઓનાં એનાલિસિસ માટે ખોલવા માટેની કેસ ઓપનિંગ પ્રક્રિયા – અંદાજિત સમય 6થી 7 કલાક
  • તબક્કો – 2
    નમુનાઓમાંથી DNA એક્સ્ટ્રેક્ટ કરવું – અંદાજિત સમય 6થી 7 કલાક
  • તબક્કો – 3
    DNAનું ક્વોન્ટિટી અને ક્વોલિટી ચેક કરવું – અંદાજિત સમય 3થી 4 કલાક
  • તબક્કો – 4
    DNA નમૂનાઓનું પીસીઆર કરવું (ડીએનએ સંવર્ધનની પ્રક્રિયા) – અંદાજિત સમય 3થી 4 કલાક
  • તબક્કો – 5
    DNA પ્રોફાઈલિંગ કરવું – અંદાજિત સમય 8થી 9 કલાક
  • તબક્કો – 6
    મળેલા DNA પ્રોફાઈલનું એનાલિસિસ કરવું – અંદાજિત સમય 2થી 3 કલાક
  • તબક્કો – 7
    એનાલિસિસ થયેલા નમૂનાઓનું ઈન્ટરપ્રિટેશન કરવું – અંદાજિત સમય 6થી 7 કલાક
  • તબક્કો – 8
    DNA રિપોર્ટ તૈયાર કરવો – અંદાજિત સમય 3થી 5 કલાક