January 26, 2025

Rajkotના ગેમઝોનમાં મોતના તાંડવને 24 કલાક પૂરા, 32 મોત; જાણો A to Z

Rajkot Game Zone Tragedy: રાજકોટના TRP ગેમઝોનમાં આગ લાગવાની ઘટનાને 24 કલાક પૂરા થઈ ગયા છે. ત્યારે અત્યાર સુધીમાં મૃતકઆંક 32એ પહોંચ્યો છે. હજુ પણ ગેમઝોનમાં શોધખોળ ચાલી રહી છે. NDRFની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે અને કામગીરી કરી રહી છે. આ ઉપરાંત મૃતકો એવી રીતે બળીને ભડથું થઈ ગયા છે કે, તેમના ચહેરા ઓળખવા પણ મુશ્કેલ બન્યા છે. આવા સમયે હવે DNAની મદદથી મૃતદેહોને ઓળખવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. જેમાં અત્યાર સુધીમાં પાંચેક મૃતદેહની ઓળખ થઈ ચૂકી છે અને તેમના પરિવારજનોને મૃતદેહ સોંપી દેવામાં આવ્યા છે.

પિતાનો આક્રોશ – આરોપીઓને જામીન મળ્યા તો હું પતાવી નાંખીશ
રાજકોટની આગ દુર્ઘટનામાં પુત્ર ગુમાવનાર પિતાનું મહત્વનું નિવેદન સામે આવ્યું છે. તેમના દીકરા સહિત પરિવારના 5 સભ્યો પણ લાપતા છે. ત્યારે સર્વસ્વ ગુમાવી બેઠેલા આ પરિવારના મોભીના શબ્દોમાં લાચારી દેખાઈ રહી છે. તેમણે હોશ ગુમાવી દીધો છે. પરિવારના મોભી લાચાર થઈને તંત્રને આકરા શબ્દો કહી રહ્યા છે. પિતા પ્રદિપસિંહ ચૌહાણના પુત્ર રાજભા ચૌહાણ સહિત પરિવારના 5 સભ્યો લાપતા છે. ત્યારે પરિવારના આ મોભી આકરા પાણીએ દેખાઈ રહ્યા છે. તેઓ કહી રહ્યા છે કે, આરોપીને સજા પૂર્વે જામીન મળ્યા તો આરોપીઓને મારી નાંખશે. આ ઉપરાંત તેમણે વકીલોને પણ આ કેસ ન લડવા માટે અપીલ કરી છે. આ ઉપરાંત કેસની ફી હોય છે તેના કરતાં 2 લાખ વધુ આપશે તેવું પણ જણાવ્યું છે.

IAS-IPS અધિકારીઓનો ફોટો વાયરલ
રાજકોટના TRP ગેમઝોનમાં લાગેલી આગમાં અત્યાર સુધીમાં આવેલા આંકડા પ્રમાણે 32 જેટલા લોકો જીવતા ભૂંજાયા છે. તેમાં બાળકો પણ સામેલ છે. ત્યારે આ જ ગેમઝોનની એક તસવીર સોશિયલ મીડિયામાં વાયરલ થઈ છે. જેમાં રાજકોટના તત્કાલિન કલેક્ટર અરુણ બાબુ, તત્કાલિન પોલીસ કમિશનર બલરામ મીણા, તત્કાલિન મહાનગરપાલિકા કમિશનર અમિત અરોરા, તત્કાલિન ડીસીપી ઝોન-1 પ્રવિણ મીણા સહિતના અધિકારીઓ દેખાઈ રહ્યા છે. આજથી બે વર્ષ પહેલાં એટલે કે 22મી માર્ચ, 2022ના દિવસે તેમણે આ ગેમઝોનની મુલાકાત લીધી હતી. રાજકોટના તત્કાલિન અધિકારીઓએ જ્યારે આ ગેમઝોનની મુલાકાત લીધી હતી. ત્યારે તેમને આ બેદરકારી દેખાઈ નહોતી એ સવાલ ઉભો થઈ રહ્યો છે. આ IAS-IPS કક્ષાના અધિકારીઓને આ ગંભીર બેદરકારી દેખાઈ નહોતી કે પછી તેમણે આંખ આડા કાન કર્યા હતા, તે સવાલ પણ ઉભો થઈ રહ્યો છે. આવા અનેક સવાલ ઉભા થઈ રહ્યા છે.

પરિવારજોનું આક્રંદ, લાચાર લોકો
આ દુર્ઘટનામાં નાનો ભાઈ લાપતા થતા મોટાભાઈએ તેની શોધખોળ હાથ ધરી હતી. ત્યારે ન્યૂઝ કેપિટલની ટીમે તેની સાથે વાતચીત કરતા તેણે જણાવ્યુ હતુ કે, ‘ગેમઝોનમાં સ્ટાફ વધારે હતો. હજુ સુધી 27 બોડી જ આવી છે. તો બીજા ક્યાં ગયા. અમને કોઈ જાણ નથી મળી. ઇજાગ્રસ્ત થયેલાની પણ જાણ મળી નથી. તંત્ર કોઈ જવાબ આપતું નથી. ડીએનએ લઈએ છીએ અને તપાસ કરીએ છીએ. હવે તો કેસ નોંધાવો પડશે. આટલા બધા લાપતા છે. તો એ લોકો છે ક્યાં. ઇજાગ્રસ્તો ક્યાં છે તે પણ નથી કહેતા. પોસ્ટમોર્ટમ રૂમમાં અંદર નથી જવા દેતા.’

ગેમઝોનમાં ભરાતું હતું મોતનું ફોર્મ
આ ગેમઝોનમાં લોકો પાસે ફોર્મ ભરાવવામાં આવતા હતા. ફોર્મમાં ઈજા કે મોત થાય તો સંચાલકો જવાબદાર ન હોવાનો ઉલ્લેખ કરવામાં આવતો હતો. તમે કોઈપણ ગેમ રમતા હશો અને કોઈપણ ઘટના બને છે તો તેની જવાબદારી ગેમઝોનની રહેશે નહીં તેવું ફોર્મમાં લખવામાં આવતું હતું. પહેલેથી જ સ્વબચાવ માટે મોતનાં ફોર્મ ભરાવી લેવામાં આવતા હતા.

બાળકોને બચાવનાર યુવાન

એક યુવાને પાંચ બાળકને બચાવ્યાં
પ્રત્યક્ષદર્શી જણાવે છે કે, ‘ગોંડલના અમે ત્રણ મિત્રો અહીં ગેમ રમવા માટે આવ્યા હતા. પહેલા માળે અમે લોકો બોલિંગ રમી રહ્યા હતા. ત્યારે નીચે ગ્રાઉન્ડ ફ્લોરથી બૂમો પડી કે, આગ લાગી છે ભાગો. અમે આમ તેમ જોયું પણ એક્ઝિટ ગેટ ક્યાં હતો તે કોઈને ખબર નહોતી. ત્યારે અમે લોકો એન્ટ્રી તરફ ગયા પણ ત્યાં સુધી તો આગ ફેલાઈ ગઈ હતી. ત્યારે પહેલા માળેથી અમે સાહસ કરી કૂદકો માર્યો અને જીવ બચાવ્યો. ત્યાં ઘણા બાળકો પણ હાજર હતા. બાળકોને બચાવવા માટે ઉપરથી એક ભાઈ રેલિંગ પર ઉભા રહીને બાળકોના ઘા કરતા હતા અને નીચે અમે બાળકોને પકડતા હતા આમ અમે પાંચેક બાળકોને બચાવ્યા હતા.

આગ લાગવાનું પ્રાથમિક કારણ સામે આવ્યું
પ્રાથમિક તપાસમાં વેલ્ડિંગના કારણે આગ લાગી હતી તેવું સામે આવ્યું છે. ત્યારબાદ પેટ્રોલનો જથ્થો બ્લાસ્ટ થયો હોવાનું પણ અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. આ ઉપરાંત ખુલાસો થયો હતો કે, ક્ષમતા કરતાં વધુ લોકોને ગેમઝોનમાં પ્રવેશ આપવામાં આવ્યો હતો. કિર્તિરાજસિંહ રાયજાદાની માલિકની જગ્યા પર યુવરાજસિંહ સોલંકી ગેમઝોન ચલાવતો હતો. આગ લાગતા માલિક અને સંચાલકો રફુચક્કર થયા હતા.

ઘટનાના 20 કલાક બાદ આરોપીઓ સામે ફરિયાદ
રાજકોટ અગ્નિકાંડના જવાબદાર ગુનેગારો સામે આખરે ફરિયાદ દાખલ કરવામાં આવી છે. કુલ 6 આરોપીઓની સામે પોલીસ ગુનો નોંધવામાં આવ્યો છે. TRP ગેમઝોનના માલિક અને ભાગીદાર મળી કુલ 5 લોકો વિરુદ્ધ ગુનો નોંધાયો છે. ગેમઝોનના માલિક પ્રકાશચંદ્ર કનૈયાલાલ હિરણ, ભાગીદાર અશોકસિંહ જગદીશસિંહ જાડેજા, કિરીટસિંહ જગદીશસિંહ જાડેજા, યુવરાજસિંહ હરિસિંહ સોલંકી, રાહુલ લલિત રાઠોડ વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે. પાંચેય આરોપી અલગ અલગ હિસ્સાના નફાના ભાગીદાર હતા. TRP ગેમઝોનની જગ્યા ધવલ કોર્પોરેશન નામથી રજિસ્ટર કરવામાં આવી હતી. IPCની કલમ 304 અને 114 મુજબ ગુનો નોધવામાં આવ્યો છે. આ સમગ્ર કેસની તપાસ એસીપી વિનાયક પટેલ કરી રહ્યા છે.

શું હતી સમગ્ર ઘટના?
25 મે, 2024ના દિવસે સાંજે રાજકોટના કાલાવડ રોડ પર આવેલા TRP ગેમઝોનમાં ભીષણ આગ લાગી હતી. આ આગમાં અત્યાર સુધીમાં 32નાં મોત થયા છે અને મોટી માત્રામાં લોકોનું રેસ્ક્યૂ કરવામાં આવ્યું છે. આગને પગલે ફાયરબ્રિગેડ ઘટનાસ્થળે પહોંચી હતી અને આગને કાબૂમાં લીધી છે. મૃત્યુઆંક હજી વધી શકે છે. આગને પગલે 5 કિલોમીટર દૂર ધૂમાડાના ગોટેગોટા દેખાતા હતા. મહત્વનું છે કે, ખાલી એક કલાકમાં જ 24 મૃતહેદો હોસ્પિટલની અંદર પહોંચ્યા હતા. જેને લઈ આખી હોસ્પિટલ મૃતહેદોની છાવણીમાં ફેરવાઈ ગયું હતું. મહત્વનું છે કે, ગેમઝોન પાસે ફાયર NOC જ નહોતી.