ઝાંઝમેર ગામમાં ઉતાવળી નદીમાં ઘોડાપૂર, બે ગાય તણાઈ
ધોરાજીઃ તાલુકાના ઝાંઝમેર ગામમાં ઉતાવળી નદીમાં ઘોડાપૂર આવ્યું છે. ઉતાવળી નદીમાં ઘોડાપૂર આવતા પશુઓ તણાયા છે. ઉતાવળી નદીમાં બે પશુઓ તણાયાં છે, જ્યારે ચાર પશુને બચાવી લેવામાં આવ્યા છે. માલધારીની બે ગાય ઉતાવળી નદીમાં તણાઈ જતા તેના પર આભ ફાટ્યું હોય તેવી સ્થિતિ પેદા થઈ છે. ઉલ્લેખનીય છે કે, ભારે વરસાદને કારણે ઉતાવળી નદી બે કાંઠે વહેતી થઈ છે.
ભરૂચમાં ઘોડા તણાયાં
પૂર જેવી સ્થિતિ માટે ઘોડાપૂર શબ્દ વાપરવામાં આવે છે. ત્યારે આ શબ્દને સાર્થક કરતી ઘટના ભરૂચના અંકલેશ્વરમાં બની છે. જેમાં ધોધમાર વરસાદને કારણે આમલાખાડી ઓવરફ્લો થતા તેમાં ઘોડા તણાયાં છે. ભારે વરસાદને કારણે નેશનલ હાઇવેથી પીરામણને જોડતો રસ્તો બંધ થઈ ગયો છે. આમલાખાડી ઓવરફ્લો થતા રસ્તા પર પાણી ફરી વળ્યા છે. ત્યારે આમલાખાડીમાં ઘોડા તણાતા હોય તેવો વીડિયો વાયરલ થયો છે.
દક્ષિણ ગુજરાતમાં વરસાદી માહોલના પગલે રેલ વ્યવહારને અસર થઈ છે. સુરતના ગોથાણ અને સાયણ રેલવે સ્ટેશન વચ્ચે પાણી ભરાયાં છે. ત્યારે ભરૂચ-સુરત મેમુ ટ્રેન રદ કરવામાં આવી છે. વડોદરા-ભરૂચ મેમુ ટ્રેન પાલેજ રેલવે સ્ટેશન સુધી શોર્ટ ટર્મિનેટ કરી દેવામાં આવી છે.