September 8, 2024

ધોરાજીની 900 વીઘા જમીન પર પાકનું ધોવાણ, ભારે વરસાદથી તારાજી

ધોરાજીઃ રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકાના નાની મારડમાં 900 જેટલા વીઘામાં પાક ધોવાણ થયું છે. નાની મારડ ગામમાં આવેલા ખેડૂતોના ખેતરે જવાના રસ્તા ધોવાયા છે. કપાસ, મગફળી જેવા પાકને મોટા પ્રમાણમાં નુકસાન થયું છે. ચિચોડ ગામનું પાણી ખેતરોમાં ફરી વળતા ખેતરો બેટ થઈ ગયા છે. ધારાસભ્ય અને સાંસદ ગ્રામ્ય વિસ્તારની મુલાકાત લઈ તાત્કાલિક સરવે કરાવી સહાય ચૂકવવા માગણી કરી છે.

ધોરાજીના ચિચોડ, કલાણા, પાટણવાવ, નાની મારડ, મોટી મારડ, ભાડેર સહિત તમામ ગ્રામ્ય વિસ્તારમાં જળપ્રલયને લઈ ખેડૂતોને મોટા પ્રમાણમાં નુકસાન થયું છે. રાજકોટ જિલ્લાના ધોરાજી ગ્રામ્ય વિસ્તારમાં ભારે વરસાદને લઈ ખેડૂતોના ખેતરમાં સાર્વત્રિક નુકસાન થયું છે. ધોરાજી ગ્રામ્ય વિસ્તાર કલાણા, છત્રાસા, નાની મારડ, મોટી મારડ, પાટણવાવ, ભાડેર, ચિચોડ સહિત ગ્રામ્ય વિસ્તારમાં પડી ગયેલા વીસ વીસ ઈંચ જેટલા વરસાદને લઈ ખેડૂતોના ખેતર પાણીમાં ગરકાવ થઈ ગયા છે.

ધોરાજી તાલુકામાં મોટી મારડ ગામમાં વીસથી પચીસ ઈંચ જેટલો વરસાદ પડતા ઘરમાં પાણી ઘુસી ગયા હતા અને ઠેર ઠેર જળપ્રલય સર્જાયો હતો. તંત્ર ફક્ત બહારથી રોડ ઉપર આવી જતા રહેલા. ગામના લોકોએ જાતે મહેનત કરી ઘરોમાંથી પાણી નિકાલ કર્યો હતો. નાની મારડ ગામના 900 વીઘા જેટલી જમીન જાણે બેટ બની ગઈ હતી. તેવાં તારાજીનાં દ્રશ્યો સર્જાયા હતા. નાની મારડ ગામના સરપંચના જણાવ્યા અનુસાર, ગામમાં વીસ ઈંચ વરસાદ પડવાથી ખેતરો મેદાન બની ગયા હતા અને ખેતરોમાં ધોવાણ થઈ ગયું હતું. ખેતરમાં રહેલો મગફળી અને કપાસનો પાક પાણીમાં ગરકાવ થઈ ગયો હતો. નાની મારડ ગામના અંદાજે 900 વીઘા ખેતરોમાં રહેલા પાકને અંદાજે કરોડો રૂપિયાનું નુકસાન થયું છે.

તો બીજી તરફ, ભારે વરસાદને કારણે પશુનો ઘાસચારો પણ પલળી જતા પશુપાલકો પણ મુશ્કેલીમાં મૂકાયા હતા. ધોરાજીના ગ્રામ્ય વિસ્તારના કલાણા, નાની મારડ, ચિચોડ, પાટણવાવ, મોટી મારડ જેવા ગામોમાં અનરાધાર વરસાદને કારણે સમગ્ર ધોરાજી તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં ખેડૂતોના ખેતરોમાં રહેલા પાકનું મોટા પ્રમાણમાં નુકસાન થયું હતું. નાની મારડ ગામના ખેડૂતોના જણાવ્યા અનુસાર, ભારે વરસાદને કારણે ખેતરના પાળા તૂટી ગયા હતા. ખેતરો પાણી પાણી થઈ ગયા હતા. ત્યારે તંત્ર તાત્કાલિક ગામમાં આવી સરવે કરે અને વળતર ચૂકવે તેવી માગ કરી છે.