December 29, 2024

રાજકોટમાં મધુવન સ્કૂલ સામે DEOને ફરિયાદ, 10 વર્ષથી નકલી શાળા ધમધમતી હોવાની આશંકા

રાજકોટઃ શહેરમાં વધુ એક નકલી સ્કૂલ છેલ્લા 10 વર્ષથી ધમધમતી હોવાની આશંકા સેવાઈ રહી છે. ગોંડલ રોડ ઉપર આવેલી મધુવન સ્કૂલ મંજૂરી વિના ચાલતી હોવાની ફરિયાદ સામે આવી છે.

છેલ્લા દસ વર્ષથી ધોરણ 9 અને 10નાં વર્ગો મંજૂરી વગર ચાલી રહ્યા છે. ત્યારે આ મામલે રાજકોટ જિલ્લા શિક્ષણ અધિકારીને ફરિયાદ કરવામાં આવી છે. મધુવન સ્કૂલમાં માત્ર ધોરણ 1થી 8ની મંજૂરી છે. ત્યારે મંજૂરી ન હોવા છતાં ધોરણ 9 અને 10ના ક્લાસ ચલાવવામાં આવી રહ્યા હોવાની ફરિયાદ કરવામાં આવી છે.

મધુવન શાળામાં ધોરણ 10 પાસ કર્યા બાદ અન્ય ગ્રાન્ટેડ સ્કૂલના LC આપવામાં આવતા હોવાનો ફરિયાદમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ત્યારે આ પ્રકારની ફરિયાદ મળતા શિક્ષણ અધિકારીએ તપાસના આદેશ આપ્યા છે.