રાજકોટના વેપારી સાથે 64.80 કરોડની છેતરપિંડી, ક્રાઇમ બ્રાન્ચે મુંબઈથી 4 શખ્સોની કરી ધરપકડ

ઋષિ દવે, રાજકોટ: આપણે ત્યાં એક કહેવત છે કે લોભિયા હોય ત્યાં ધુતારા ભૂખે ન મરે! રાજકોટ શહેર ખાતે આ કહેવત અક્ષર સહસ સાચી ઠરી છે. જી, હા રાજકોટ શહેર ક્રાઈમ બ્રાન્ચ ખાતે 32 વર્ષીય યુવા વેપારી દ્વારા પોતાની પેઢી સાથે 64 કરોડ 80 લાખ રૂપિયાની છેતરપિંડી મહારાષ્ટ્રની કંપનીના 19 ભાગીદારો દ્વારા આચરવામાં આવી હોવાની પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી હતી. જે અંતર્ગત રાજકોટ શહેર ક્રાઈમ બ્રાન્ચ દ્વારા મહારાષ્ટ્ર ખાતેથી ચાર જેટલા આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. તેમજ ક્રાઈમ બ્રાન્ચની પ્રાથમિક તપાસમાં કેટલાક ચોંકાવનારા ખુલાસા પણ થયા હોવાનું સામે આવ્યું છે.

રાજકોટ શહેર ખાતે આવેલી ધર્મભક્તિ વેન્ચર પ્રાઇવેટ લિમિટેડના યુવા ભાગીદારોને કરોડો રૂપિયાનું રોકાણ કરી આપજો રૂપિયાનો પ્રોફિટ મેળવવાની લાલચ જાગી હતી. જે લાલચમાં તેઓના દ્વારા અબજો મેળવવાની લ્હાયમાં 64 કરોડથી પણ વધુની રકમ ગુમાવવી પડી હોવાનું સામે આવ્યું છે. રાજકોટ શહેરના બિગ બઝાર પાછળ રહેતા 32 વર્ષે વેપારી પ્રશાંત કાનાબાર દ્વારા રાજકોટ શહેર ડીસીબી પોલીસ સ્ટેશન ખાતે આઇપીસીની કલમ 406, 409, 120(B), 114, 34 સહિતની કલમ હેઠળ A. S. AGRI AND AQUA LLPના સંદેશ ખામકર, પ્રશાંત ઝાડે, હિરેન પટેલ, રોહિત લોંકર, કમલેશ ઓઝે સહિત કુલ 19 નામજોગ વ્યક્તિઓ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી હતી. પ્રશાંત કાનાબાર તેમજ તેના પાર્ટનર્સને હળદરની ખેતીના પ્રોજેક્ટની લાલચ આપવામાં આવી હતી. તેમજ youtubeમાં લોભામણો વીડિયો દેખાડી હળદરની ખેતી માટે પોલીસ હાઉસ બનાવવા 54 એકર જમીનના કોન્ટ્રાક્ટ ફાર્મિંગ એગ્રીમેન્ટ કરી રૂપિયા 64 કરોડ 80 લાખ રૂપિયાનું રોકાણ કરાવવામાં આવ્યું હતું. તેમજ ત્યાર બાદ બાદ પોલી હાઉસ ઊભું નહીં કરી એગ્રીમેન્ટ મુજબ 16 મહિના પછી દર વર્ષે છ વર્ષ સુધી પાકતી મુદતે 64,80,00,000 રૂપિયા જેટલી રકમ જાન્યુઆરી 2023માં આપવાની હતી. જે રકમ પ્રશાંત કાનાબાર અને તેના પાર્ટનર્સને નહીં આપી આજ દિવસ સુધી ખોટા વાયદાઓ કરી જાન્યુઆરી 2023થી જાન્યુઆરી 2025 સુધીના એગ્રીમેન્ટ મુજબ થતી કુલ રકમ 194 કરોડ 40 લાખ જેટલી રકમ નહીં આપી છેતરપિંડી આચરવામાં આવી હોવાનું સામે આવ્યું છે.

પોલીસને આપેલી ફરિયાદમાં પ્રશાંત કાનાબાર દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, પોતે ધર્મભક્તિ વેન્ચર પ્રાઇવેટ લિમિટેડ નામની ખેતી પ્રોડક્ટ લે વેચની કંપની ધરાવે છે. કંપનીમાં કુલ ત્રણ જેટલા ડિરેક્ટર છે. વર્ષ 2021માં હું હિંમતનગર અમારી કંપનીના કામ અર્થે ગયો હતો. જ્યાં ચંદ્રકાંત પટેલ નામના માણસ સાથે મારે પરિચય થયો હતો. તેમણે જણાવ્યું હતું કે મારી પાસે હળદરની ખેતીનો પ્રોજેક્ટ છે. આ પ્રોજેક્ટ મુંબઈની કંપની સાથે મેં 5 એકર જમીનમાં શરૂ કર્યો છે. કંપની જમીનમાં પોલી હાઉસ ઉભો કરી તેમાં હળદર ઉગાડી વેચવાનું કામકાજ કરે છે. આપણે ફક્ત વીજળી તથા પાણી પૂરું પાડવાનું હોય છે. તો સાથો સાથ જે રકમનું આપણે રોકાણ કર્યું હોય તે રોકાણના 16 મહિના બાદ પ્રથમ વખત રોકેલી રકમ દર 6 વર્ષ સુધી તેમના દ્વારા પરત આપવામાં આવે છે. જેથી હળદરના ફાર્મિંગની માણસો સહિતની જવાબદારી કંપની દ્વારા ઉઠાવવામાં આવે છે. ત્યાર બાદ સમગ્ર મામલે મેં મારા કંપનીના અન્ય ડિરેક્ટરો સાથે વાતચીત કરી હતી. તેમજ બે ત્રણ દિવસ બાદ કંપનીના અવિનાશ સાંગલે સહિતના વ્યક્તિઓ અમદાવાદ આવ્યા હતા. જ્યાં વાય.એમ.સી.એ. ક્લબમાં પ્રોજેક્ટ બાબતે અમારી એક મીટીંગ પણ થઈ હતી. તેમજ છ વર્ષ સુધી એગ્રીમેન્ટ કરાર મુજબ જમીન આપવાની તેમજ સંપૂર્ણ પ્રોજેક્ટ અમને સમજાવવામાં આવ્યો હતો. એક એકરે અંદાજિત બે કરોડનો ખર્ચ થશે તેમાંથી 1.20 કરોડ રૂપિયા અમારે આપવાના થશે તેમજ 80 લાખ રૂપિયાનું રોકાણ કંપની કરશે તેવું નક્કી થયું હતું. તેમજ કંપની દ્વારા જણાવવામાં આવ્યું હતું કે પોલિ હાઉસ ઉભો કરી હળદરની ખેતી કરવા માટેના બિયારણના વાવેતર કરવાથી લઈ હળદરના વેચાણ સુધીની તમામ જવાબદારીઓ તેમની રહેશે. તેમજ જમીન કંપનીને આપ્યાથી 16 મહિના પછીથી તેઓ દર એકરે 1.20 કરોડ રૂપિયાના રોકાણની સામે દર વર્ષે 1.20 કરોડ રૂપિયા દર છ વર્ષ સુધી આપશે તે પ્રકારનું નક્કી થયું હતું.

પ્રશાંત કાનાબાર અને તેની કંપની દ્વારા એડવાન્સ પેમેન્ટ પેટે જુલાઈ 2021થી સપ્ટેમ્બર 2021 સુધીમાં કંપનીને 64,80,00,000 રૂપિયા બેંક ટ્રાન્સફર આપવામાં આવ્યા હતા. તેમજ અમારા દ્વારા ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાં ખેડૂતોની હળદર અને અનુકૂળ આવે તેવા વાતાવરણ વાળી જમીન શોધવામાં આવી હતી. જે અંતર્ગત અમારા દ્વારા 108 એકર જમીન જુદા જુદા ખેડૂતો પાસેથી છ વર્ષ સુધી લીઝ ઉપર ભાડા પેટે રાખવામાં આવી હતી. તેમજ તે બાબતના એગ્રીમેન્ટ ખેડૂતો સાથે કરવામાં આવ્યા હતા. તો સાથે જ એક વર્ષનું એડવાન્સ પેમેન્ટ તેમજ એક વર્ષના ભાડા પેટે કુલ 3,24,36,395 રૂપિયા જેટલી રકમ ખેડૂતોના બેંકથી ચૂકવવામાં આવી હતી. જાન્યુઆરી 2023માં ફાર્મિંગ એગ્રીમેન્ટ મુજબ અમને જે 64 કરોડ 80 લાખ રૂપિયા ચૂકવવાના હતા તે કંપની દ્વારા ચૂકવવામાં નહોતા આવ્યા. તેમજ તેમના દ્વારા પોલી હાઉસ પણ તૈયાર કરવામાં નહોતા આવ્યા. તેમજ ત્યારબાદ કંપનીના માણસોને પણ અનેક વખત અમે ઉઘરાણી સંદર્ભે વાતચીત કરતા તેઓ અલગ અલગ બહાના બતાવતા હતા. જોકે બાદમાં અમને જાણ થઈ હતી કે કંપનીના ડિરેક્ટરોએ આવી રીતે જ અમારી સાથે ફ્રોડ કર્યું છે. જેવું ફ્રોડ તેમણે વડોદરા અમરેલી તથા મહારાષ્ટ્રના થાણે અને પુણેમાં કર્યું છે.

રાજકોટ શહેર ક્રાઈમ બ્રાન્ચ દ્વારા હાલ હર્ષલ મરાઠી, વૈભવ મરાઠી, પ્રવીણ મરાઠી અને હિરેન પટેલ નામના વ્યક્તિઓની મહારાષ્ટ્ર ખાતેથી ધરપકડ કરવામાં આવી છે. તેમજ આરોપીઓ વિરુદ્ધ મહારાષ્ટ્રમાં બે જેટલી જગ્યાએ તેમજ અમરેલી ખાતે પણ છેતરપિંડીની કલમ અંતર્ગત ગુનો દાખલ થઈ ચૂક્યો હોવાનું સામે આવ્યું છે. તેમજ તમામ ગુનાઓ વર્ષ 2023માં નોંધાઈ આપવાનું સામે આવ્યું છે. મુખ્ય આરોપી પ્રશાંત ઝાડે કંપનીમાં 55 ટકાનો ભાગીદાર છે. ક્યારેક કે બાકીના 18 ભાગીદારો 2.50%ના ભાગીદારો હોવાનું સામે આવ્યું છે.

મુખ્ય આરોપી પ્રશાંત ઝાડે સહિત ત્રણ આરોપીઓ હાલ મહારાષ્ટ્ર જેલમાં બંધ હોવાનું સામે આવ્યું છે. ત્યારે રાજકોટ શહેર ક્રાઈમ બ્રાન્ચ દ્વારા ટ્રાન્સફર વોરંટના આધારે તેમનો કબજો મેળવવામાં આવશે.