જંત્રીના ભાવવધારાને લઈને રાજકોટ બિલ્ડર એસોસિએશનનો વિરોધ
રાજકોટઃ ગત 20મી નવેમ્બરના રોજ રાજ્ય સરકાર દ્વારા જંત્રીના ભાવમાં વધારો સૂચવવામાં આવ્યો છે. ત્યારે જંત્રીના ભાવમાં સૂચવવામાં આવેલા ભાવવધારાને લઈ એક મહિના સુધી વાંધા અરજી સ્વીકારવામાં આવી રહી છે. ત્યારે ગુજરાત ક્રેડાઈ બાદ રાજકોટ બિલ્ડર એસોસિએશન પણ લડી લેવાના મૂડમાં જોવા મળી રહ્યું છે.
રાજકોટ બિલ્ડર એસોસિએશન તેમજ બિલ્ડર એસોસિએશન સાથે જોડાયેલા અન્ય એસોસિએશનના હોદ્દેદારો તેમજ સભ્યો દ્વારા મૌન રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ મૌન રેલી રાજકોટના બહુમાળી ભવન ચોક ખાતેથી શરૂ થઈ કલેકટર કચેરી ખાતે પૂર્ણ થઈ હતી. 10,000થી પણ વધુ લોકો આ મૌન રેલીમાં જોડાયા હતા. રેલી પૂર્ણ થયા બાદ રાજકોટ બિલ્ડર એસોસિએશનના હોદ્દેદારો દ્વારા જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.
આ આવેદનપત્રમાં રાજકોટ બિલ્ડર એસોસિએશન દ્વારા જુદા જુદા 17 જેટલા મુદ્દાઓ ટાંકવામાં આવ્યા હતા. જેમાં ટીઆરપી ગેમ ઝોન અગ્નિ કાંડ સર્જાયા બાદ રાજકોટ મહાનગરપાલિકા દ્વારા પ્રિફાયર એનઓસી, કમ્પ્લીસન સર્ટિફિકેટ, અંતિમ ફાયર એનઓસી આપવામાં નથી આવતી. તો સાથે જ કોર્પોરેશનના ટીપી શાખામાં બિનઅનુભવી કર્મચારીની નિમણૂક કરવામાં આવતા અગાઉ જેટલા સમય માપન મંજૂર થતો હતો તેના કરતાં હાલ છ ગણો વધુ સમય લાગી રહ્યો છે. તો સાથે જ કોર્પોરેશન દ્વારા કે રૂડા દ્વારા નિયુક્ત કરવામાં આવેલા અધિકારીઓ દ્વારા નવા પ્લાન તેમજ કમ્પ્લીસન સર્ટિફિકેટ લાંબા સમયથી આપવામાં નથી આવી રહ્યા.
આ સાથે જ ડ્રાફ્ટ ટીપીને લઈને પણ ઘણી તકલીફો હાલ પડી રહી છે. તાજેતરમાં જે સરકાર દ્વારા જંત્રીના દરમાં ભાવ વધારો સૂચવવામાં આવ્યો છે. તે બાંધકામ ઉદ્યોગને લઈ મરણતોલ સમાન છે. ત્યારે સમગ્ર મામલે રાજકોટ જિલ્લા કલેક્ટર પ્રભવ જોશીનું પણ નિવેદન સામે આવ્યું છે. મીડિયા સાથેની વાતચીતમાં કલેક્ટર પ્રભવ જોશીએ જણાવ્યું હતું કે, આ સમગ્ર મામલે જિલ્લા કલેક્ટરની અધ્યક્ષતામાં કમિટી બનાવવામાં આવી છે. જંત્રીને લઈ અત્યાર સુધીમાં 150 જેટલી અરજીઓ ઓફલાઈન આવી છે. અરજી પ્રક્રિયા માટેની ઓનલાઈન સુવિધા પણ શરૂ કરવામાં આવી છે. જંત્રીના દરને લઈ કમિટીને મળનાર તમામ વાંધા અરજીઓ સરકાર સુધી પહોંચાડવામાં આવશે.