September 19, 2024

રાજકોટ બન્યું રાજકારણનું રણમેદાન, સસ્પેન્ડેડ કોર્પોરેટર્સને લઈને વિવાદ

ઋષિ દવે, રાજકોટઃ રાજકારણ જાણે રણમેદાન બન્યું હોય તેમ એકબાદ એક વિવાદ સામે આવી રહ્યા છે. એમાં પણ રાજકોટ ભાજપમાં પણ જૂથવાદ બાદ હવે સસ્પેન્ડ કરાયેલા કોર્પોરેટરોને લઈ વિવાદ સામે આવ્યો છે. ભાજપના સસ્પેન્ડ કરાયેલા બે મહિલા કોર્પોરેટરોને સદસ્યતા નોંધણી અભિયાનની જવાબદારી સોપવામાં આવતા વિવાદ સર્જાયો છે. આ મુદ્દે કોંગ્રેસ અને ભાજપના નેતાઓ આમનેસામને આવી ગયા છે.

આજથી ભાજપ દ્વારા સદસ્યતા અભિયાન શરૂ કરવામાં આવ્યું છે, ત્યારે આ અભિયાનને લઈ રાજકોટ ભાજપ વિવાદમાં આવ્યું છે. આશરે છ મહિના પૂર્વે ગેરરીતિના મામલામાં ભાજપના બે મહિલા કોર્પોરેટરને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. આ બંને કોર્પોરેટરોને જવાબદારી સોપવામાં આવતા વિવાદ સામે આવ્યો છે. ભાજપે કથિત ભ્રષ્ટાચાર મામલે બે મહિલા કોર્પોરેટરોને છ વર્ષ માટે સસ્પેન્ડ કર્યા છે.

શહેરના ગોકુલ નગરના કથિત આવાસ યોજના કૌભાંડ મામલે વોર્ડ નંબર 6ના કોર્પોરેટર દેવુબેન જાદવ અને વોર્ડ નંબર 5ના કોર્પોરેટર વજીબેન ગોલતરને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. બંને કોર્પોરેટરોને સદસ્યતા અભિયાનમાં જવાબદારી સોપવામાં આવતા વિવાદ સર્જાયો છે. આ મુદ્દે શહેર ભાજપ પ્રમુખ મુકેશ દોશીએ માહિતી આપતા જણાવ્યું હતું કે, ‘અમારા ધ્યાન બહાર આ બંને કોર્પોરેટરોને જવાબદારી સોંપવામાં આવી છે. અમે તમામ લોકોની માફી માગીએ છીએ અને ભૂલ સ્વીકારીએ છીએ. કોર્પોરેટરોની કોઈપણ મીટિંગમાં અમે તેમને બોલાવતા નથી.’

શહેર ભાજપ માળખા દ્વારા સસ્પેન્ડ કરાયેલા બે મહિલા કોર્પોરેટરને ભાજપ સદસ્ય અભિયાનમાં જવાબદારી સોપવામાં આવતા વિવાદ સર્જાયો હતો. આ મુદ્દે કોંગ્રેસના પ્રદેશ મહામંત્રી મહેશ રાજપૂતે જણાવ્યું હતું કે, ‘માત્ર લોકોને દેખાડવા માટે પાર્ટીમાંથી કોર્પોરેટરોને સસ્પેન્ડ કર્યા છે. બંને કોર્પોરેટરો ચૂંટણી પ્રચારમાં પણ તમામ જગ્યાએ જોવા મળ્યા હતા. કોર્પોરેશનમાં ભ્રષ્ટાચાર મામલે જ આ બંને કોર્પોરેટરોને સાથે રાખવામાં આવે છે.’