રાજકોટ ભાજપના બક્ષીપંચ મોરચાના પ્રમુખનું નામ દારૂ કેસમાં ખૂલ્યું
રાજકોટઃ શહેર ભાજપના બક્ષીપંચ મોરચાના પ્રમુખનું નામ દારૂના કેસમાં ખૂલ્યું છે. શહેરના વોર્ડ નંબર 14માં બીજેપી બક્ષીપંચ મોરચાના પ્રમુખનું નામ ખુલ્યું છે.
બીજેપીના જયદીપ દેવડાનું નામ દારૂના કેસમાં ખૂલતા ચકચાર મચી ગઈ છે. ગોપાલ નગર 9માં ભક્તિનગર પોલીસે બાતમીના આધારે દરોડા પાડ્યા હતા. તે દરમિયાન પોલીસે પ્રિયાંક લોખીલ અને મિત દેવડા નામના શખ્સોને ઝડપી પાડ્યા હતા.
પોલીસે 54 બોટલ દારૂ અને 24 ટીન બિયર સાથે 2 આરોપીને ઝડપી પાડ્યા હતા. પોલીસે તપાસ કરતા મિત દેવડાનાં ભાઈ જયદીપ દેવડાની સંડોવણી સામે આવી છે. ભક્તિનગર પોલીસ તપાસમાં જતા આરોપી જયદીપ દેવડા નાસી છૂટ્યો હતો. જયદીપ દેવડાને બચાવવા વોર્ડ નંબર 14ના કોર્પોરેટરે પણ ધમપછાડા કર્યા હતા.
આ મામલે શહેર બીજેપી પ્રમુખ મુકેશ દોશીએ ન્યૂઝ કેપિટલ સાથે વાતચીત કરી હતી. તેમણે જણાવ્યુ હતુ કે, ‘આ સમગ્ર મામલે અમે પાર્ટી લેવલે તપાસ શરૂ કરી છે. ગેરકાયદેસર પ્રવૃત્તિમાં જો અમારો કાર્યકર્તા કે હોદ્દેદાર હોય તો તેની સામે સખ્ત કાર્યવાહી થશે. અમે પણ કાયદાકીય કાર્યવાહીમાં સાથે રહેશું. પક્ષ દ્વારા પણ કાર્યવાહી કરવામાં આવશે.’
આ ઉપરાંત જણાવે છે કે, ‘સંડોવણી ખૂલશે તો જયદીપને પાર્ટીમાંથી તાત્કાલિક અસરથી બરતરફ કરી દેવામાં આવશે. બીજેપી ક્યારેય ગેરકાયદેસર પ્રવૃતિને પ્રોત્સાહન આપતું નથી.’ આ સિવાય પોલીસ સ્ટેશનમાં કોર્પોરેટરના ધમપછાડા પર મુકેશ દોશીએ જણાવ્યુ હતુ કે, ‘કોર્પોરેટર નિલેશ જલુ માત્ર માહિતી લેવા ત્યાં ગયા હતા તેમની આ કેસમાં કોઈ ભૂમિકા નથી.’