December 28, 2024

Rajkot : સિવિલ હોસ્પિટલની બેદરકારીથી આધેડે દ્રષ્ટિ ગુમાવી

રાજકોટની સિવિલ હોસ્પિટલમાં મોતિયાના ઓપરેશન બાદ એક આધેડની દ્રષ્ટિ જતી રહી હોવાનો આક્ષેપ થયો છે. જેને લઈને દર્દીના પરિવારે સિવિલમાં ભારે ધમાલ મચાવી હતી. શહેરના ખોડિયારપરામાં રહેતા મન્સુરભાઈ મકવાણા નામના પ્રૌઢને મોતિયાની તકલીફ હોવાથી તેઓ સિવિલ હોસ્પિટલ આવ્યા હતા અને મોતિયાનું ઓપરેશન કરાવ્યું હતું. ઓપરેશન બાદ તેઓ ઉઠ્યા ત્યારે તેમણે આંખે કશું દેખાતું ન હતું. જેની જાણ તબીબોને કરાઈ હતી. થોડા સમય સુધી તબીબોએ વૃદ્ધને બેસાડી રાખ્યા અને પછી કહ્યું કે, અમદાવાદ જવું પડશે અને તે માટે ચિઠ્ઠી કરી દીધી છે. આ વાત તેમના પરિવારજનોને કરાતા તેઓ હોસ્પિટલ પહોંચ્યા હતા અને ધમાલ મચાવી હતી.

સુપ્રિન્ટેન્ડેડે આરોપ નકાર્યા 

તો બીજી તરફ સિવિલ સુપ્રિન્ટેન્ડેડના જણાવ્યા અનુસાર, દર્દીને કરાયેલ સર્જરીમાં ઓપરેશન દરમિયાન મોતિયોં કાઢીને નેત્રમણી નાખવાની હોય છે. આ નેત્રમણી જે આધાર પર બેસાડવાની હોય તે આધાર નબળો હોવાથી પડદો પડી ગયો હતો, જેને ન્યુક્લિયસ ડ્રોપ કહેવાય છે. આ ઓપરેશન દરમિયાન થતા અલગ અલગ કોમ્પ્લિકેશન પૈકીનું એક છે અને દર 1000 વ્યક્તિએ એકમાં આવું બનતું હોય છે. દર્દીની આગળની ટ્રીટમેન્ટ અમદાવાદ સિવિલ ખાતે કરવામાં આવશે અને તેમની તકલીફ દૂર થશે.

અગાઉ માંડલમાં મોતિયાના ઓપરેશનમાં બેદરકારી સામે આવી હતી

ઉલીખનીય છે કે, તાજેતરમાં જ અમદાવાદના માંડલમાં મોતિયાના ઓપરેશનમાં બેદરકારી સામે આવી હતી. ટ્રસ્ટ સંચાલિત શ્રી રામાનંદ આંખની હોસ્પિટલમાં મોતિયાના ઓપરેશન બાદ 15થી વધુ દર્દીઓને ઈન્ફેક્શન લાગ્યું હતું અને પાંચ દર્દીઓને આંખે દેખાવાનું બંધ થઈ ગયું હતું. આ ઘટનામાં પણ દર્દીઓના પરિવારજનોએ ડોક્ટર પર બેદરકારીથી ઓપરેશન કર્યું હોવાનો આરોપ લગાવ્યો હતો.