May 18, 2024

દુષ્કર્મ કેસમાં કેડીલાના રાજીવ મોદીએ પોલીસ સામે નિવેદન નોંધાવી ચાલતી પકડી

મિહિર સોની, અમદાવાદ: જાણીતી ફાર્માસ્યુટિકલ કંપનીના CMD રાજીવ મોદી વિરુદ્ધ દુષ્કર્મની થયેલી ફરિયાદના દોઢ માસ બાદ નાટકીય ઢબે રાજીવ મોદી પોતાના વકીલ સાથે સોલા પોલીસ સ્ટેશન ખાતે હાજર થયા હતા. જે બાદ તેમણે યુવતીના આક્ષેપોને નકારીને નિવેદન આપ્યું હતું. જોકે રાજીવ મોદીની 5 કલાકની પૂછપરછ અને નિવેદન બાદ પોલીસે તપાસ શરૂ કરી હતી. જે બાદ રાજીવ મોદીને મીડિયા દ્વારા સવાલો પૂછવામાં આવ્યા હતા પરંતુ તેઓ કોઇ પણ પ્રશ્નનો જવાબ આપ્યા વિના પોતાની કારમાં બેસીને રવાના થઇ ગયા હતા.

બલગેરીયન યુવતીએ દુષ્કર્મના આક્ષેપની કરેલી ફરિયાદ બાદ કેડીલા ફાર્માસ્યુટિકલ કંપનીના CMD રાજીવ મોદી આજે સવારે 8 વાગે સોલા પોલીસ સ્ટેશનમાં વકીલ સાથે પહોંચ્યા હતા. આ બલગેરીયન યુવતીના ગુમ થયાની ચર્ચાના વિવાદ વચ્ચે રાજીવ મોદીએ પોલીસ સ્ટેશનમાં હાજર થઈને નિવેદન નોંધાવ્યું હતું. ઉચ્ચ અધિકારીઓ દ્વારા 5 કલાકની પૂછપરછ અને નિવેદન લીધા બાદ તેઓ વકીલ સાથે રવાના થયા હતા. યુવતીએ દુષ્કર્મને લઈને કરેલા આક્ષેપને રાજીવ મોદીએ નકારી દીધા હતા. અને યુવતીને એક જ વખત મળ્યા હોવાનો બચાવ કર્યો હતો. મહત્વનું છે કે દુષ્કર્મની ફરિયાદ બાદ પોલીસે નિવેદન માટે 2 નોટિસ ફટકારી હતી. પણ રાજીવ મોદી અમેરિકા અને યુરોપ દેશમાં પોતાના કામ અર્થે હતા અને મોડી રાત્રે અમદાવાદ આવતા જ આજે તેમણે પોતાનું નિવેદન નોંધાવ્યું હતું.

કેડીલા ફાર્માસ્યુટિકલના CMD રાજીવ મોદીએ તમામ આક્ષેપો નકાર્યા અને પોતાના નિવેદનમાં બલગેરીયન યુવતીને પોતાના પર્સનલ મેનેજમેન્ટ માટે નોકરી પર રાખી હતી. આ યુવતીએ વિદેશ કામ માટે લઈ જવાના બહાને શારીરીક છેડતી અને દુષ્કર્મના આક્ષેપ કર્યા હતા. પરંતુ તેની સામે રાજીવ મોદીએ પોતાનો બચાવ કરતા કહ્યું કે આ યુવતીને એકલી કોઈ જગ્યા લઈ જવામાં નથી આવી. યુવતી સાથે આખું ગ્રુપ સાથે હોવાનો ઉલ્લેખ નિવેદનમાં કર્યો છે. રાજીવ મોદીનું SIT માં રહેલ JCP ચિરાગ કોરડીયા અને સોલા PI આર એચ સોલંકીએ અલગ અલગ સવાલો પૂછીને ઉલટ તપાસ કરી હતી. પરંતુ પોતે બચાવ કરતા આવું કોઈ કૃત્ય નહિ કર્યું હોવાનું જણાવ્યું છે. જેથી પોલીસે ધરપકડ કરવાના બદલે નિવેદન લઈને જવા દીધા હતા.

કથિત દુષ્કર્મ કેસમાં બલગેરીયન યુવતીના ગુમ થવાના આક્ષેપોને પોલીસે નકાર્યું અને યુવતી વિદેશ જતી રહી હોવાનું જણાવ્યું છે. ત્યારે આ દુષ્કર્મ કેસમાં હજુ સુધી કોઈ મહત્વના પુરાવા તપાસમાં ખુલ્યા નથી. આ ઉપરાંત રાજીવ મોદી વિરુદ્ધ ફરિયાદ હોવા છતાં તેમનો પાસપોર્ટ જમા કરવાના બદલે તેમને વિદેશ જવાની છૂટ આપી છે. જેથી આગામી સમયમાં પોલીસ કોર્ટમાં સમરી ભરીને આ કેસનો નિકાલ કરે તેવી શકયતા જોવાઇ રહી છે.