અમદાવાદમાં ફટકારી સદી, ઇંગ્લેન્ડ લાયન્સના બોલરોની કરી ધોલાઇ! ચારેયકોર થઇ રજતની વાહવાહી!
ઈંગ્લેન્ડ લાયન્સ ટીમ ભારતના પ્રવાસે છે. ઈન્ડિયા A અને ઈંગ્લેન્ડ લાયન્સ વચ્ચે અહીં એક બિનસત્તાવાર ટેસ્ટ શ્રેણી રમાવાની છે. આ પહેલા બંને ટીમો વચ્ચે પ્રેક્ટિસ મેચ રમાઈ રહી છે. રજત પાટીદારે ભારત A માટે શાનદાર પ્રદર્શન કર્યું હતું અને આ મેચમાં સદી ફટકારી હતી. રજતે પોતાની ઇનિંગ દરમિયાન 18 ચોગ્ગા અને એક છગ્ગો ફટકાર્યો હતો. આ પહેલા ઈંગ્લેન્ડ લાયન્સની ટીમ 233 રનના સ્કોર સુધી સિમિત રહી હતી.
ઈન્ડિયા A માટે કેપ્ટન અભિમન્યુ ઈશ્વરન અને રજત પાટીદાર ઓપનિંગ કરવા આવ્યા હતા. આ દરમિયાન ઇશ્વરન 42 બોલમાં 32 રન બનાવીને આઉટ થયો હતો. જ્યારે પાટીદાર બચી ગયા હતા. તેણે 141 બોલનો સામનો કર્યો અને 111 રન બનાવ્યા. રજતની આ ઇનિંગમાં 18 ચોગ્ગા અને એક છગ્ગાનો સમાવેશ થાય છે. રજત પહેલા પણ ઘણી મેચોમાં શાનદાર પ્રદર્શન કરી ચુક્યો છે. જો કે ઈંગ્લેન્ડ સામેની ટેસ્ટ શ્રેણીની પ્રથમ બે મેચ માટે તેને ટીમ ઈન્ડિયામાં સ્થાન મળ્યું નથી.
તમને જણાવી દઇએ કે ભારત A એ 3 વિકેટ ગુમાવીને 224 રન બનાવ્યા હતા. સરફરાઝે શાનદાર બેટિંગ કરી અને 52 બોલમાં 41 રન બનાવ્યા. જ્યારે કેએસ ભરત 12 રન બનાવીને રમી રહ્યો હતો. ભરતની આ ઇનિંગમાં 3 ચોગ્ગા સામેલ હતા. તેને ટીમ ઈન્ડિયામાં સ્થાન મળ્યું છે. ભરત ઈંગ્લેન્ડ સામેની ટેસ્ટ મેચની પ્લેઈંગ ઈલેવનમાં પણ જગ્યા બનાવી શકે છે.
ઉલ્લેખનીય છે કે ઈંગ્લેન્ડ લાયન્સની ટીમે પ્રથમ બેટિંગ કરીને 233 રન બનાવ્યા હતા. તેના માટે ઓપનર એલેક્સ લીસે 46 બોલનો સામનો કરીને 35 રન બનાવ્યા હતા. જેનિંગ્સે 25 રનની ઇનિંગ રમી હતી. આ દરમિયાન ભારત A માટે માનવ સુથારે સારી બોલિંગ કરી હતી. તેણે 11 ઓવરમાં 45 રન આપીને 3 વિકેટ ઝડપી હતી. આકાશ દીપે 8 ઓવરમાં 28 રન આપીને 2 વિકેટ લીધી હતી. તુષાર દેશપાંડે અને કાવેરપ્પાને પણ એક-એક વિકેટ મળી હતી.
ઉલ્લેખનીય છે કે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ‘બી’ મેદાનમાં ઈંગ્લેન્ડ લાયન્સની ટીમ 51.1 ઓવરમાં આઉટ થઈ ગઈ હતી. ટીમ માટે માત્ર ડેન મૌસલી (60) અને ઓલી રોબિન્સન (45) જ ભારતીય બોલરોનો સામનો કરી શક્યા. બંને વચ્ચે છઠ્ઠી વિકેટ માટે 63 રનની ભાગીદારી તુટી ગયા બાદ ભારતીય બોલરોએ ફરી વર્ચસ્વ જમાવ્યું હતું. મૌસલીને બીજા છેડેથી કોઈ સપોર્ટ મળ્યો ન હતો અને તે આઉટ થનારો છેલ્લો બેટ્સમેન હતો.