December 19, 2024

પૂજારા નહીં પણ કોહલીની જગ્યાએ ટીમ ઇન્ડિયામાં આ ખેલાડીને મળી જગ્યા

ઈંગ્લેન્ડની ટીમ પાંચ મેચની ટેસ્ટ સિરીઝ માટે ભારતના પ્રવાસે છે. પહેલી મેચ 25 જાન્યુઆરીથી હૈદરાબાદના રાજીવ ગાંધી ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં રમાશે. સિરીઝ પહેલા સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલીએ અંગત કારણોસર પ્રથમ બે મેચમાંથી ખસી જવાનો નિર્ણય લીધો હતો. હવે કોહલીની જગ્યાએ રજત પાટીદારને ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. તમને જણાવી દઈએ કે રજત પાટીદારે હાલમાં જ ઈન્ડિયા A તરફથી રમતા ઈંગ્લેન્ડ લાયન્સ સામે બે સદી ફટકારી છે. તેણે 5 દિવસમાં બે સદી ફટકારીને ટીમ ઈન્ડિયામાં પ્રવેશ માટે પોતાનો દાવો દાખવ્યો હતો અને હવે તેને ટીમમાં જગ્યા મળી ગઈ છે.

કોહલી પ્રથમ બે ટેસ્ટ નહીં રમે

વિરાટ કોહલીએ અંગત કારણોસર ઈંગ્લેન્ડ સામેની સિરીઝની પ્રથમ બે ટેસ્ટમાંથી ખસી જવાનો નિર્ણય લીધો છે. કોહલીએ ટીમ મેનેજમેન્ટ પાસે આ માટે વિનંતી કરી હતી, જેના માટે તેને સપોર્ટ મળ્યો હતો. બીસીસીઆઈએ એક નિવેદનમાં લખ્યું, ‘બીસીસીઆઈ તેના નિર્ણયનું સન્માન કરે છે અને બોર્ડ અને ટીમ મેનેજમેન્ટે સ્ટાર બેટ્સમેનને તેમનો સપોર્ટ કર્યો છે. ઈંગ્લેન્ડ સામે આગામી ઘરઆંગણે રમાનારી ટેસ્ટ સિરીઝમાં પ્રશંસનીય પ્રદર્શન કરવા માટે ટીમના બાકીના સભ્યોની ક્ષમતામાં વિશ્વાસ છે. BCCI મીડિયા અને ચાહકોને વિનંતી કરે છે કે આ સમય દરમિયાન વિરાટ કોહલીની ગોપનીયતાનું સન્માન કરે અને તેના અંગત કારણો પર અટકળો કરવાનું ટાળે. ભારતીય ક્રિકેટ ટીમે ટેસ્ટ સિરીઝમાં આવનારા પડકારોનો સામનો કરવા માટે ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ.

પાટીદારને આપી તક

30 વર્ષીય બેટ્સમેન રજત પાટીદારનો પ્રથમ બે ટેસ્ટ માટે ભારતીય ટીમમાં સમાવેશ કરવામાં આવ્યો છે. જો આપણે તેના તાજેતરના ફોર્મ પર નજર કરીએ તો, તે ધમાકેદાર બેટિંગ કરે છે. તેણે ગત સપ્તાહે અમદાવાદમાં ઈંગ્લેન્ડ લાયન્સ સામે 151 રન બનાવ્યા હતા. આના ચાર દિવસ પહેલા તેણે આ જ ટીમ સામે પ્રેક્ટિસ મેચમાં 111 રનની ઇનિંગ રમી હતી. તે ગયા વર્ષના અંતમાં ભારત A ટીમ સાથે દક્ષિણ આફ્રિકાના પ્રવાસે પણ હતો. જોકે, તેણે હજુ સુધી ડેબ્યુ કર્યું નથી. હવે જોવાનું એ રહેશે કે ઈંગ્લેન્ડ સામેની આગામી સિરીઝમાં તેને ડેબ્યૂ કરવાની તક મળે છે કે નહીં.

પૂજારાને સ્થાન મળ્યું નથી

કોહલીના બે ટેસ્ટ મેચમાંથી ખસી ગયા બાદ એવી આશા હતી કે ચેતેશ્વર પુજારા ટીમમાં વાપસી કરી શકે છે, પરંતુ એવું થયું નથી. તેની જગ્યાએ પાટીદારને તક મળી છે. તમને જણાવી દઈએ કે પૂજારા રણજી ટ્રોફી 2024માં શાનદાર ફોર્મમાં છે. તેણે સિઝનની પહેલી જ મેચમાં બેવડી સદી ફટકારી હતી. આ પછી પણ તેના બેટમાંથી સારી ઇનિંગ્સ જોવા મળી છે. પુજારા દક્ષિણ આફ્રિકા સામેની તાજેતરની ટેસ્ટ સિરીઝમાં પણ ટીમનો ભાગ નહોતો.