January 15, 2025

દિલ્હી બાદ હવે જયપુરમાં બેઝમેન્ટમાં પાણી ભરાતા 4 વર્ષની બાળકી સહિત 3ના મોત

રાજસ્થાન: દેશના લગભગ મોટાભાગના રાજ્યોમાં મેઘતાંડવને પગલે ભારે વરસાદ થઈ રહ્યો છે. અનેક સ્થળોએ પાણી ભરાવાની સમસ્યા સામાન્ય બની ગઈ છે. તાજેતરમાં, દિલ્હીમાં બેઝમેન્ટમાં ઊભા કરી દેવામાં આવેલા એક કોચિંગ સેન્ટરમાં પાણી ભરાવાને કારણે 3 લોકોના મોતથી ચકચાર મચી ગઈ હતી. ત્યારે હવે રાજસ્થાનના જયપુરથી પણ આ જ પ્રકારની ઘટના સામે આવી છે.

રાજધાની દિલ્હીમાં IASની તૈયારી કરી રહેલા ત્રણ વિદ્યાર્થીઓના મોત બાદ જયપુરમાં પણ આ જ પ્રકારની ઘટનામાં 3 લોકોના મોતથી ચકચાર મચી ગઈ છે. જયપુરમાં જીવ ગુમાવનાર લોકોમાં એક 4 વર્ષની બાળકીનો પણ સમાવેશ થાય છે. ઘટના જયપુરના વિશ્વકર્મા વિસ્તારની છે. અહી બેઝમેન્ટમાં પાણી ભરાઈ જવાને કારણે બે વયસ્ક લોકોની સાથે ત્રણ લોકોના મોત થઈ ગયા. બેઝમેન્ટમાં ફસાયેલા લોકોને બચાવવા માટે ચલાવવામાં આવેલ રેસ્ક્યૂ ઓપરેશનના સાત કલાક બાદ ત્રણેય લોકોના મૃતદેહ મળી આવ્યા હતા.

મળતી માહિતી મુજબ, ભારે વરસાદને કારણે જયપુરના વિશ્વકર્મા વિસ્તારમાં આવેલ એક કોમ્પ્લેકસના બેઝમેન્ટમાં પાણી ભરાઈ ગયું. મૃતકો સમયસર બહાર ન નીકળી શક્ય અને વરસાદના પાણીમાં ડૂબી જવાથી ત્રણેયના મોત થઈ ગયા.

રાજસ્થાનમાં આકાશ તાંડવ યથાવત
ચોમાસાની સક્રિયતાને કારણે રાજસ્થાનમાં છેલ્લા કેટલાય સમયથી વરસાદી મોસમ યથાવત જોવા મળી રહ્યો છે. બુધવારે 31 જુલાઈના રાજસ્થાનના કરૌલીમાં સૌથી વધુ વરસાદ પડ્યો હતો. જયપુર હવામાન કેન્દ્રના જણાવ્યા મુજબ, બુધવારે સવારે 8.30 વાગ્યા સુધી છેલ્લા 24 કલાકમાં પશ્ચિમ રાજસ્થાનમાં કેટલાક સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદ અને પૂર્વી રાજસ્થાનમાં કેટલાક સ્થળોએ ભારે વરસાદ થયો હતો. આ દરમિયાન કરૌલીમાં સૌથી વધુ 80 મીમી વરસાદ નોંધાયો હતો. પશ્ચિમ રાજસ્થાનના બાડમેરના ગદરા રોડ પર 32.5 મીમી વરસાદ નોંધાયો છે.